અમદાવાદ : તા.03 જૂન 2022, શુક્રવાર : દિગ્ગજ કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવન મુદ્દે વિવાદોમાં છે.તાજેતરમાં જ તેમના પત્ની રેશ્મા પટેલે તેમને અન્ય યુવતી સાથે ઝડપી પાડ્યા હતા તે ઘટનાની વીડિયો ક્લિપ્સ ખૂબ જ વાયરલ થઈ હતી.આ સમગ્ર વિવાદ વચ્ચે ભરતસિંહે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્પષ્ટતા કરવાની સાથે પોતાની હૈયાવરાળ ઠાલવીને નિર્દોષતા સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.તેમણે જણાવ્યું કે,’લોકો મને દરરોજ કહે છે કે,તમે શા માટે કશું નથી બોલતા? 1992માં હું રાજકારણમાં આવ્યો.લોકો,કાર્યકરો અને હાઈકમાન્ડના આશીર્વાદ મળ્યા.30 વર્ષનું મારૂં જાહેર જીવન છે,ક્યારેય કોઈ ભ્રષ્ટાચારની વાત નથી થઈ.ચૂંટણી આવે ત્યારે કંઈ ને કંઈ આવી જાય છે.રામ મંદિરના નિવેદન અંગે પણ કોન્ટ્રોવર્સી થઈ.આખો વિડીયો જુઓ તો ખ્યાલ આવે કે મારો કહેવાનો આશય શું હતો.દરેક વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે.’
વધુમાં જણાવ્યું કે,’અમે હિન્દુ ધર્મના સાચા હિમાયતી અને રક્ષક છીએ.દરેક વાતને રાજકીય રંગ આપવામાં આવે છે.આ દેશમાં અનેક પરિવારોના લગ્ન જીવનમાં તકલીફો છે.લગ્ન થયા બાદ 15 વર્ષ સુધી કોઈ સંબંધ ન હોય,કોઈ જવાબદારીના કારણે હું ચૂપ રહ્યો હોય.આ દેશ સ્ત્રી દાક્ષણ્ય અને મમતાનો રહ્યો છે.જ્યારે મને કોરોના થયો હતો ત્યારે મારી પત્ની કહેતી હતી કે હું નહિ જીવું.મારા પિતાને ફોન કરીને કહ્યું હતું કે ભરત હવે નહિ જીવે.હું પથારીમાં હતો ત્યારે મને પૂછ્યું કે મારું શું,પ્રોપર્ટીનું શું તેમ પૂછતી હતી.હું ઑક્સિજન પર હતો ત્યારે તે મારી પાસે પ્રોપર્ટી માગતી હતી.’ઉલ્લેખનીય છે કે,ભરતસિંહના વાયરલ વિડીયોનો વિવાદ ખૂબ જ વકર્યો હતો અને ભરતસિંહના કારણે ગુજરાતમાં કોંગ્રેસની છબિ ખરડાઈ રહી હોવાની ફરિયાદ ઉઠી હતી.ભરતસિંહ સામે પગલાં ભરવાની ફરિયાદ છેક રાહુલ ગાંધી સુધી પહોંચતા કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશના સીનિયર નેતાને આ સમગ્ર મામલે તપાસ કરી રિપોર્ટ આપવાની સૂચના આપી હોવાનું સામે આવ્યું હતું.સાથે જ જો ભરતસિંહ સુધરે નહીં તો તેઓ રાજકારણ છોડી દે,તેવી પણ ફરિયાદ કરાઈ હતી.
એક અહેવાલ પ્રમાણે વિડીયોમાં ભરતસિંહ સોલંકી સાથે જે યુવતી જોવા મળી હતી તે વડોડરાના મહિલા કોંગ્રેસી નેતાની ભાણી હોવાની ચર્ચા ચાલી રહી છે.બિનસત્તાવાર સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે મંગળવારના રોજ ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો ખાતે પહોંચ્યા હતા જ્યાં ભરતસિંહ અન્ય યુવતી સાથે જોવા મળ્યા હતા.તે સમયે રેશ્મા પટેલે રણચંડીનું રૂપ ધારણ કરીને ભરતસિંહ અને તે યુવતીને બરાબરના હડફેટમાં લીધા હતા.


