ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણીના કારણે કોંગ્રેસમાં તણાવનો માહોલ છે ત્યારે કોંગ્રેસ બાદ હવે ભાજપમાં પણ ચિંતા શરૂ થઈ છે. ભાજપનાં ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીનો ફોન સ્વીચ ઓફ આવતો હોવાથી ભાજપના નેતા ચિંતામાં પડી ગયા છે. રાઉલજી ભાજપના ઉમેદવારને મત નહીં આપે અને ક્રોસ વોટિંગ કરશે તેવા મેસેજ વાયરલ થયા બાદ રાજનીતિ ગરમાઈ ગઈ હતી. ત્યારબાદ ભારે હોબાળા બાદ ભાજપના MLA સી.કે.રાઉલજીએ ગૃહમાં પોતાનો ઉભરો ઠાલવ્યો હતો.
સી.કે.રાઉલજીએ પોતાના પક્ષને જણાવ્યું હતું કે, મારી કોઈ માગણી નથી,બીજા કોઈની હોય તો સાંભળજો. નહીંતર કોંગ્રેસ જેવી આપણી સ્થિતિ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. હું ભાજપમાં જ છું, મારો છેલ્લો કુદકો લાકડા એટલે કે સ્મશાનમાં હશે. તમને જણાવીએ કે આજે ભાજપનાં ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી શંકરસિંહના કહેવાથી ક્રોસ વોટિંગ કરશે તેવા મેસેજ વાયરલ થયા હતા.
બીજી બાજુ જણાવીએ તો, ભાજપના ધારાસભ્ય સી.કે.રાઉલજી શંકરસિંહ વાઘેલાના ખાસ ગણાય છે. ચૂંટણી ટાણે સક્રિય થતા શંકરસિંહ વાઘેલાએ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મદદ કરવાની જાહેરાત કરી છે. ત્યારે આજે એક એવી અફવાહ ફેલાઈ હતી કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા મંત્રી સી.કે.રાઉલજીને પ્રધાનપદ મળવા સહિતની માગણીઓ ન સંતોષાતાં નારાજ થતા તેમણે શંકરસિંહ વાઘેલાના માધ્યમથી તોડવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ પ્રયાસને સફળતા મળતી હોવાનો નિર્દેશ મળતા કોંગ્રેસના મોવડી મંડળનો જુસ્સો વધ્યો હતો અને તેમણે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી બંનેને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો તેવો દાવો પણ કરાયો હતો. પરંતુ આજે આ મુદ્દે ગૃહમાં જ જાતે સી.કે.રાઉલજીએ ખુલાસો કર્યો હતો.
સી.કે. રાઉલજીએ ગૃહમાં આજે સ્પષ્ટતા કરી હતી કે, હું ભાજપમા જ છું. હવે મારો છેલ્લો કુદકો લાકડામાં હશે, એટલે કે સ્મશાનમાં હશે. હાલ જે સોશિયલ મીડિયામાં શંકરસિંહ વાઘેલાના કહેવાથી ક્રોસ વોટીંગ કરવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે તે સાવ ખોટા છે. જેથી તેમણે સી કે રાઉલજીએ ગૃહમાં ચેતવણી આપતા જણાવ્યું કે, મારી પક્ષ પાસે કોઈ માંગણી નથી. બીજાની કોઈની હોય તો સાંભળજો. નહિતર કોંગ્રેસ જેવી આપણી સ્થિતિ ન થાય તેનું ધ્યાન રાખજો. સી કે રાઉલજીએ વિધાનસભા ગૃહમાં જ પોતાનો ઉભરો ઠાલવ્યો હતો.