નવી દિલ્હી, તા.16 : રાજકોટ સહિત સમગ્ર દેશની કમર કોરોનાએ તોડી નાખી છે અને જ્યાં જુઓ ત્યાં કોરોનાના કેસ અને મૃત્યુની જ કાન ફાડી નાખે તેવી ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. સ્થિતિ એટલી દારુણ થઈ જવા પામી છે કે સ્મશાનોમાં મૃતદેહને અગ્નિદાહ આપવા માટે રીતસરનું ‘વેઈટિંગ’ થઈ ગયું છે !
આ બધાની વચ્ચે એક એવી કરુણ ઘટના સામે આવી છે જેને સાંભળીને પાષાણ હૃદયનો માનવી પણ પીગળી જશે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌના સ્મશાનમાં જગ્યા ન મળતાં મૃતદેહનો ચબૂતરાં પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.અહીં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થતાં તેની કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અંતિમક્રિયા કરવા મૃતદેહ સ્મશાન પર લઈ જવાયો હતો પરંતુ ત્યાં વેઈટિંગ હોવાને કારણે પરિવારજનોની ધીરજ ખૂટી હતી અને
તેમણે સ્મશાનમાં આવેલા પ્લાસ્ટિક શેડની નીચે જ ચિતાને અગ્નિદાહ આપી દેતાં આગના લબકારાથી શેડ સળગી ગયો હતો.આ શેડ મતલબ કે ચબૂતરો લોકોના બેસવા માટે બનાવવામાં આવ્યો હતો અને તેમાં છાંયડો મળી રહે તે માટે પ્લાસ્ટિકનું કવર કરવામાં આવ્યું હતું પરંતુ સ્મશાનમાં મૃતદેહો સતત આવ્યે રાખતાં લોકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે.જો ચબૂતરામાં કરાયેલા અગ્નિ સંસ્કારને કારણે આગ વધુ પ્રસરી હોત તો મોટી દૂર્ઘટના બનતાં કોઈ અટકાવી શક્યું ન હોત.