– જીન્નાએ ૧૯૪૧માં ગંટુરની મુલાકાત લીધી તેની સ્મૃતિમાં બનાવાયો હતો
– જીન્ના ટાવર તિંરગાથી રંગવામાં આવ્યો, લોકોએ નામ બદલવાની માંગ કરી
હૈદરાબાદ,૩ ફેબુ્આરી,૨૦૨૨,ગુરુવાર : તાજેતરમાં આંધ્રપ્રદેશના ગંટુરમાં જીન્ના ટાવરનો વિવાદ ઉભો થયો છે. જેની જીદના કારણે ભારતના ભાગલા પડયા અને પાકિસ્તાન બન્યું એ જીન્નાને ભારતની આઝાદીના ઇતિહાસમાં વિલન ગણવામાં આવે છે. ભારતમાં જેમનું નામ નફરતથી લેવાય છે તેમના નામનો ટાવર હોય એટલે વિવાદ થવો સ્વભાવિક છે પરંતુ નવાઇની વાત તો એ છે કે આ ટાવર આજકાલનો નથી ૭૬ વર્ષથી છે જેનું આટલા સમય પછી કેમ ધ્યાન પડયું એ જ નવાઇ પમાડે તેવી વાત છે.જિન્ના ટાવર સેંટર ૧૯૪૫થી ગંટુરના સ્થાનિકતંત્ર પાસે છે. આ સ્મારકને ઐતિહાસિક ઇમારત ગણવામાં આવે છે આથી સમયાંતરે સમારકામ પણ થતું રહે છે.
૧૯૪૧માં જીન્નાએ ગંટુરની મુલાકાત લીધી ત્યારે તેમની સ્મૃતિમાં આ ટાવર બનાવાયો હતો. જીન્નાએ એ સમયના સ્થાનિક આગેવાનોના આમંત્રણને માન આપીને મુંબઇથી ગંટુર પધાર્યા હતા.ગંટુરમાં તેમનું ભવ્ય સ્વાગત થયું હતું અને રેલી કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વકતવ્ય પણ આપ્યું હતું.આ ટાવર પાસે રહેલું વેપાર ઉધોગ કેન્દ્રની ઇમારત સમગ્ર શહેરના હાર્દ સમાન ગણાય છે.
એવું માનવામાં આવે છે પાકિસ્તાનમાં પણ કેટલાકને ખબર પડી છે કે ભારતમાં ૭ લાખની વસ્તી ધરાવતા ગંટુર નામના નગરમાં પોતાના કાયદેઆઝમ ગણાતા જીન્નાના નામે ટાવર છે અને આવું ભારતમાં બીજે કયાંય જોવા મળતું નથી.એવું પણ માનવામાં આવે છે કે વાજપેયીના જમાનામાં પાકિસ્તાનના લશ્કરી શાસક જનરલ મુર્શરફ ભારત આવ્યા ત્યારે જિન્ના ટાવર અંગે માહિતી મેળવી હતી.એ સમયના સાંસદ લાલજન બાશાએ ટાવરની તસ્વીરો પાકિસ્તાનના ઉચ્ચાયોગને મોકલી હતી.જીન્ના ટાવરનું નામ બદલવાની માંગ ૧૯૯૯માં કારગિલ વોર દરમિયાન ઉઠી હતી પરંતુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.આ ટાવરને તાજેતરમાં તિરંગાના ત્રણ રંગ કેસરી,સફેદ અને લીલા રંગથી રંગી દેવામાં આવતા જીન્ના ટાવરના ફોટા સોશિયલ મીડિયામાં પણ શેર થવા લાગ્યા છે.
એટલું જ નહી સ્થાનિક વિધાનસભ્ય મોહંમદ મુસ્તફાએ ટાવર પર ઝંડો ફરકાવવાની પણ વાત કરી છે. ટાવરને તિરંગાથી રંગવાનું કારણ સદ્ભાવનું પ્રતિક ગણીને નામ બદલવાની માંગણી કરી રહેલાને શાંત પાડવાનું હતું પરંતુ હવે આનાથી વિવાદ શાંત પડવાના સ્થાને વકર્યો છે જેનું ધ્યાન ન હતું તેવા લોકોનું પણ ધ્યાન ખેંચાતા ટાવરનું નામ બદલવાની માંગ વધી રહી છે.કેટલાકે તો જીન્ના ટાવરનું નામ બદલીને એપીજે અબ્દૂલ કલામ કરવાની પણ માંગણી કરી છે.