દેશના શ્રીમંત દેવસ્થાનોમાં તિરુપતિ બાલાજી બાદ બીજા સ્થાને શિર્ડી મંદિરની બોલબાલા
મુંબઈ : આખું આયુષ ફકીર તરીકે જીવેલા શિર્ડીના સાઈબાબા પર વિશ્વભરના કરોડો ભાવિકોને અખૂટ શ્રદ્ધા છે.સાઈના દર્શન માટે શિર્ડીમાં આવ્યા હોય ત્યારે તેમજ ઓનલાઈન પર અનેકજણ પોતપોતાની શ્રદ્ધાનુસાર સાઈચરણે દાન કરતાં હોય છે. તાજેતરમાં હૈદરાબાદના એક ભાવિકે બાબાને બે કરોડથી વધુની કિંમતના સોનાનું દાન કર્યું છે.
હૈદરાબાદના પાર્થ નામક એક ભાવિકે ચાર કિલો વજનનું કુલ બે કરોડથી વધુની કિંમતનું સોનું દાન કર્યું છે.સાઈબાબાના ભક્તોમાં દક્ષિણ ભારતીયોનો પણ મોટી સંખ્યામાં સમાવેશ થાય છે.આ પહેલાં એક દક્ષિણ ભારતીય ભક્તે સાઈબાબા સંસ્થાનને ૧૦૦ કરોડ રુપિયા દાન કર્યા હતા.ત્યારબાદ એક ભાવિકે સોનાનું સિંહાસન દાન કર્યું હતું.હવે પાર્થે બે કરોડથી વધુના સોનાનું દાન બાબાને અર્પણ કર્યું છે.
શિર્ડી સાંઈમંદિર આંતરરાષ્ટ્રીય તીર્થક્ષેત્ર તરીકે ખ્યાત છે.દેશવિદેશના ભાવિકો અહીં ખુલ્લા હાથે દાન કરે છે.તિરુપતિ બાલાજી બાદ દેશમાં બીજા નંબરના શ્રીમંત દેવસ્થાન તરીકે સાઈ સંસ્થાનનો ઉલ્લેખ થાય છે.સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતીનુસાર, સાઈબાબા સંસ્થાન પાસે આશરે અઢી હજાર કરોડ રુપિયાની ડિપોઝીટ,પાંચસો કિલોથી વધુ સોનું તો મોટા પ્રમાણમાં ચાંદી છે.