મુંબઈ : અભિનેત્રી દીપિકા પાદૂકોણ હૈદરાબાદમાં શૂટિંગ કરી રહી હતી ત્યારે હાર્ટબીટ વધી જતાં તેને હોસ્પિટલ લઈ જવી પડી હતી.જોકે,ચેકઅપ બાદ તે સેટ પર પાછી ફરી હતી.
હાર્ટબીટ વધી જવાનાં કારણ અંગે અનેક અટકળો વ્યક્ત થઈ રહી છે.હૈદરાબાદમાં હાલ પ્રોજેક્ટ કે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.આ ફિલ્મમાં દીપિકા પાદૂકોણ ઉપરાંત અમિતાભ બચ્ચન અને પ્રભાસ પણ ભૂમિકા ભજવી રહ્યા છે.૩૬ વર્ષીય દીપિકા સેટ પર હતી ત્યારે તેને અચાનક જ ભારે ગભરામણ અને અસ્વસ્થતાનો અનુભવ થયો હતો.કોઈ જોખમ લીધા વિના તરત જ તેને હૈદરાબાદની કામીનેની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.જ્યાં તબીબોએ તેનું ચેકઅપ કર્યું હતું.હોસ્પિટલમાં થોડા સમય રહ્યા બાદ તે સેટ પર પાછી આવી ગઈ હતી.
દીપિકાની તબીબી હાલતના સમાચાર પ્રસરતાં ચાહકોએ ચિંતા વ્યક્ત કરી હતી અને તે ફરી સ્વસ્થ થઈ ચુકી હોવાનું જાણીને રાહત અનુભવી હતી.જાણવા મળ્યા મુજબ દીપિકાને હાર્ટબીટ વધી ગયા હતા. તબીબી પરિભાષામાં આ કંડિશનને ટેકીકાર્ડીઆ કહે છે.સ્ટ્રેસના કારણે આવું બની શકે છે.એક અટકળ મુજબ હૈદરાબાદમાં હીટવેવના કારણે ભારે ગરમી વચ્ચે શૂટિંગ કરવાને કારણે પણ આવું બની શકે છે.દીપિકા ખુદ પોતે અગાઉ ડિપ્રેશનનો ભોગ બની ચુકી હોવાનું સ્વીકારી ચુકી છે.દીપિકા હજુ ગયા મહિને જ કાન ફેસ્ટિવલમાં જ્યૂરી તરીકે હાજર રહી હતી.ત્યાંથી પાછા ફર્યા બાદ તે તેના પિતા પ્રકાશ પાદૂકોણના જન્મદિન નિમિત્તે સપરિવાર તિરુપતિ બાલાજી શૂટિંગ માટે પણ ગઈ હતી.