જકાર્તા : ભારતીય યુવા પુરૂષ હોકી ટીમે ગુરુવારે એશિયા કપમાં શાનદાર પ્રદર્શનના સહારે યજમાન ઈન્ડોનેશિયાની ટીમને 16-0થી કચડીને ટૂર્નામેન્ટમાં નોકઆઉટ રાઉન્ડમાં દબદબા સાથે પ્રવેશ કર્યો હતો. આટલું જ નહીં ભારતની ભવ્ય જીતને પગલે તેની કટ્ટર હરીફ ગણાતી પાકિસ્તાનની ટીમના અભિયાનનો અંત આવી ગયો હતો.પુલ એમાં ભારત અને પાકિસ્તાન બન્ને ટીમે ચાર-ચાર પોઈન્ટ મેળવ્યા હતા અને બન્ને જાપાન કરતા પાછળ રહી હતી.ગત વર્ષની ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય હોકી ટીમે ગોલના અંતરથી પાકિસ્તાનને પછાડ્યું હતું.ભારતને આગળના રાઉન્ડમાં ક્વોલિફાય થવા માટે ઈન્ડોનેશિયાને 15-0 અથવા તેનાથી વધુ માર્જિનથી હરાવવું પડે તેમ હતું.તીવ્ર દબાણ હેઠળ ઉતરેલી ભારતની યુવા હોકી ટીમે આ શક્ય કરી બતાવ્યું હતું.ભારતીય હોકી ટીમના કોચ પૂર્વ કેપ્ટન સરદાર સિંહ છે.
અગાઉ શુક્રવારે પાકિસ્તાનનો મુકાબલો જાપાન સામે હતો જેમાં પાકિસ્તાનની મેન્સ હોકી ટીમનો 2-3થી પરાજય થયો હતો.ભારતીય હોકી ટીમનો પાકિસ્તાન સામેનો પ્રારંભિક મુકાબલો 1-1થી ડ્રો રહ્યો હતો.આજે ભારતીય ટીમે ઈન્ડોનેશિયા સામે કરેલા નોંધપાત્ર દેખાવ પાકિસ્તાનને નોકાઉટમાં પ્રવેશવાથી વંચિત રાખ્યું હતું એટલું જ નહીં પરંતુ તેની વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવાની આશા ઉપર પણ પાણી ફેરવી દીધું હતું.વર્લ્ડ કપ માટે ટોપ ત્રણમાં સ્થાન મેળવનાર ટીમ જ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે.આ વર્ષે હોકી વર્લ્ડ કપની યજમાની ભારત કરી રહ્યું છે.ઈન્ડોનેશિયા સામેના એકતરફી મુકાબલામાં ભારતીય હોકી ટીમના ખેલાડી દીપસન તિર્કેએ પાંચ ગોલ ફટકાર્યા હતા જ્યારે સુદેવ બેલિમગ્ગાએ ત્રણ ગોલ કર્યા હતા.ટીમના અડધો અડધ ગોલ બન્ને ખેલાડીઓએ ફટકાર્યા હતા.ભારતીય હોકી ટીમે પ્રથમ ક્વાર્ટરમાં લીડ સાથે મેચમાં વર્ચસ્વ જાળવ્યું હતું.અનુભવી ખેલાડી એસવી સુનિલ,પવન રાજભર,કાર્તિ સેલ્વમે બે-બે જ્યારે ઉત્તમ સિંહ અને નિલમ સંજીપ એક્સેસે પણ ગોલ ફટકારીનો પોતાનું યોગદાન આપ્યું હતું.