અમદાવાદ : વિવેકાનંદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વાંચ ગામ સ્થિત ફટાકડાની ફેક્ટરીમાં બાળકો પાસે મજુરી કરાવો છો.તેમ કહીને હ્યુમન રાઇટ્સ કમિશન અને મિડીયાની ધમકી આપીને ફેક્ટરી માલિક પાસેથી રૂપિયા ૧.૨૦ લાખનો તોડ કરનાર ચાર શખ્સોને વિવેકાનંદ પોલીસે ઝડપી લીધા છે.તેમની પુછપરછમાં અન્ય તોડ કરાયાના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.અમદાવાદ જિલ્લાના વાંચ ગામમાં રહેતા કરણ પટેલ ગામની સીમમાં ફટાકડાની ફેક્ટરી ધરાવે છે.જેમાં ગત ૨૪મી તારીખે ચાર શખ્સો આવ્યા હતા.તેમણે પોતાની ઓળખ હ્યુમન રાઇટ્સ કમિશન અને મિડીયાના માણસો તરીકે આપીને ધમકી આપી હતી કે ફેક્ટરીમાં બાળ મજુરો પાસે ફટાકડા બનાવવાનુ,પરવાનગી કરતા વધારે ફટાકડાનો સ્ટોક રાખવાના આરોપ મુકીને લાયસન્સ રદ કરાવીને કાયદેસર કાર્યવાહી કરવાનું કહ્યું હતું.
બાદમાં પોલીસ કેસથી બચવા માટે નાણાંની માંગણી કરી હતી.જેમાં રકઝકના અંતે રૂપિયા ૧.૨૦ લાખ લીધા હતા અને આ વાત કોઇને પણ નહી કહેવાની ધમકી આપી હતી.જે અંગે કરણ પટેલે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ આર જી ખાંટને સમગ્ર બાબતે જાણ કરી હતી અને ચાર અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે સુરેશગીરી ગૌસ્વામી(રહે.ઇ-૪૦૩,સુવાસ ઓરમ સોસાયટી,ઓઢવ)પ્રેરક ત્રિવેદી(રહે.છોટાલાલ પાર્ક,અમુલ ચાર રસ્તા,ઘોડાસર)દેવેન્દ્ર કોટવાલ(રહે.દ્વારકેશધામ સોસાયટી,વિરાટનગર,ઓઢવ)અને વિજયકુમાર વર્મા(રહે.મહાદેવ એવન્યુ,ન્યુ આરટીઓ રોડ,વસ્ત્રાલ)ને ઝડપીને રોકડ રૂપિયા ૧.૨૦ લાખ અને ત્રણ મોબાઇલ ફોન જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


