– ઓઢવ પોલીસ-ઝોન ૫ સ્ક્વોડ ટીમે રંગેહાથ ઝડપ્યો : હેડ ક્વાર્ટરના ૧, નિકોલ પોલીસ સ્ટેશનના બે કર્મીઓએ બિયર મંગાવ્યું હતું : હજુ ત્રણ લોકો ફરાર : તપાસ જારી
અમદાવાદ : એકબાજુ, કોરોનાના કહેરને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પોલીસ લોકડાઉનનો વ્યાપક જનહિતમાં કડકાઇથી અમલ કરાવી રહી છે.બુટલેગરોનો દારૂનો ધંધો સદંતર બંધ છે જેનો ફાયદો ઉઠાવી લોકડાઉનમાં ખુદ પોલીસકર્મીઓ બુટલેગર બની ગયા હોય એવી ઘટના સામે આવી રહી છે.નિકોલ પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ,શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરના પોલીસ કર્મચારીઓએ કઠવાડાના રાજુ નામના વ્યક્તિ સાથે મળી ૨૧૨ બીયરની બોટલો મંગાવી હતી.ઓઢવ પોલીસ અને ઝોન ૫ સ્ક્વોડની ટીમે એસયુવી કાર ક્રેટામાં બીયર લઈને આવતા હેડક્વાર્ટરના પોલીસકર્મી હિતેશ પટેલને ઝડપી લીધો હતો.જ્યારે બે પોલીસકર્મી સહિત ત્રણ લોકો ફરાર છે.પોલીસે તેઓને પકડવાના પણ ચક્રો ગતિમાન કર્યા છે.આ સમગ્ર ઘટના અંગે ઝોન-૫ ડીસીપી રવિ તેજાએ જણાવ્યું હતું કે,આ ત્રણેય પોલીસકર્મીઓ સામે અગાઉ દારૂની હેરાફેરી અને બુટલેગરો સાથે સંડોવણી બાબતે શંકા હતી.
ગઈકાલે બાતમી આધારે હિતેશની ધરપકડ કરવામા આવી છે.પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.ઓઢવ પોલીસ અને ઝોન ૫ સ્કવોડની ટીમને માહિતી મળી હતી કે,અગાઉ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હિતેશ પટેલ અને હાલમાં નિકોલમાં જ ફરજ બજાવતા યુવરાજસિંહ રાઠોડ,રણજીતસિંહ પાવરા કઠવાડાના રાજુ નામના વ્યક્તિ સાથે મળી દારૂની હેરાફેરી શરૂ કરી છે.મોડી રાતે ઓઢવ રિંગ રોડ પર બંને ટીમોએ વોચ ગોઠવી હતી.હિતેશ પટેલ ક્રેટા કારમાં આવતા પોલીસે લાકડી બતાવી કાર રોકી હતી જો કે હિતેશે કાર ભગાવી હતી. પોલીસે તેનો પીછો કર્યો હતો.કઠવાડા રોડ પાસે કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને પોલીસે હિતેશને ઝડપી લીધો હતો.કારમાં તપાસ કરતા ૨૧૨ બીયરની બોટલ મળી આવી હતી.પોલીસે પૂછપરછ કરતા બીયરનો જથ્થો દહેગામથી લાવ્યો હતો.


