બાર રૂમ, લાઇબ્રેરી-કેન્ટીનમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા ન થવા સુચનાઃ કોરોનાના સંદર્ભે પરિપત્ર જાહેર કર્યો
અમદાવાદ તા. ૧૭: કોરોના વાયરસના કારણે હાઇકોર્ટ સંકુલમાં આવતા અરજદારો, વકીલો,કોર્ટ સ્ટાફ અને મુલાકાતીઓની સલામતીને ધ્યાનમાં રાખી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથે આજે મોડી સાંજે પરિપત્ર બહાર પાડયો છે કે ૩૧મી માર્ચ સુધી હાઇકોર્ટમાં માત્ર અરજન્ટ કેસોની જ સુનાવણી હાથ ધરવામાં આવશે.આ ઉપરાંત આ બે અઠવાડિયામાં કોર્ટમાં હાજર ન રહી શકનારા વકીલો કે અરજદારો સામે પ્રતિરોધી પગલાં નહીં લેવામાં આવે તેવો ઉલ્લેખ પણ પરિપત્રમાં કરવામાં આવ્યો છે.હાઇકોર્ટના ચીફ જસ્ટિસના આદેશની રજિસ્ટ્રાર જનરલે જારી કરેલા પરિપત્રમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે ૧૭મી માર્ચથી ૩૧મી માર્ચ સુધી હાઇકોર્ટ સંકુ લમાં માત્ર અરજન્ટ કેસોની સુનાવણી જ હાથ ધરવામાં આવશે.કોર્ટ તેના નિયત સમય મુજબ જ કાર્યરત રહેશે પરંતુ કોર્ટે તેના વિશેષાધિકાર પ્રમાણે અરજન્ટની કેટેગરીમાં આવતા કેસોની સુનાવણી જ હાથ ધરશે.જે કેસોમાં વચગાળાની રાહત આપવામાં આવી છે અને આ બે અઠવાડિયાની સમય મર્યાદામાં વચગાળાની રાહત સમાપ્ત થઇ રહી છે.તેમની રાહત બે અઠવાડિયા સુધી લંબાવવામાં આવશે.તેના માટે વકીલે અથવા પાર્ટી-ઇન-પર્સને કોર્ટ માસ્ટરને ચિઠ્ઠી આપી જાણ કરવાની રહેશે.આ સમયગાળા દરમિયાન કોર્ટ સમક્ષ હાજર રહી ન શકનારા વકીલોને અરજદારો સામે પ્રતિરોધી આદેશો આપવામાં આવશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે,વકીલોએ પણ તા. ૩૧ માર્ચ સુધી કોર્ટોની કાર્યવાહી બંધ રાખવા અન્યથા ગેરહાજરીના કીસ્સામાં વકીલો-અરજદારો સામે પગલા નહિં ભરવા રજુઆત કરી હતી.