સુરત : મુંબઈ જીએસટી વિભાગ અને મુંબઈ પોલીસની ટીમે ગુરુવારે બપોરે સુરતના પૉશ ગણાતા સૅટેલાઇટ વિસ્તારમાં આવેલી ભગવતી આશિષ નામની સોસાયટીમાં દરોડો પાડ્યો હતો.તપાસ ટીમે અહીંથી પ્રીમા મ્હાત્રે અને સંજીવ સિંહ નામનાં મુંબઈનાં પતિ-પત્નીની ૪૫૦ કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ કરવાના આરોપસર ધરપકડ કરી હતી.મહિલા આરોપીએ પોતે બીમાર હોવાનું મેડિકલ સર્ટિફિકેટ બતાવતાં પોલીસ તેને ઍમ્બ્યુલન્સમાં મુંબઈ લઈ આવી હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપી પતિ-પત્નીને કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં હતાં.
પ્રાથમિક તપાસમાં આરોપી કપલ ખોટા નામે રહેતું હોવાનું જણાઈ આવ્યું છે.મુંબઈ જીએસટીની ટીમ અને મુંબઈ પોલીસની ટીમે ગુરુવારે બપોરે સુરતના પૉશ વિસ્તાર સૅટેલાઇટમાં આવેલી ભગવતી આશિષ સોસાયટીના વિભાગ-૧ ખાતેના ૧૦૧ નંબરના ફ્લૅટમાં દરોડો પાડ્યો હતો.મેસર્સ ડૉલ્ફિન ઓવરસીસ અને મેસર્સ પ્રાઇમ ઓવરસીસ નામની કંપનીનાં પ્રોપ્રાઇટરો પ્રીમા મ્હાત્રે અને સંજીવ સિંહ નામનાં પતિ-પત્ની અહીં છુપાયાં હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.કપલે ૧૫૦ કરોડ રૂપિયાનું જીએસટીનું કૌભાંડ કર્યું હોવાની લીડ મળ્યા બાદ તેમની સામે તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસમાં જણાયું હતું કે પ્રીમા મ્હાત્રે નામ બદલીને શગુન બનીને રહેતી હોવાની માહિતી મળ્યા બાદ મુંબઈ જીએસએટી અને મુંબઈ તથા સુરત સિટી પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.તપાસ હાથ ધરાઈ હતી ત્યારે પોતે બીમાર હોવાનું કહીને મહિલાએ હેલ્થ સર્ટિફિકેટ પણ તેણે રજૂ કર્યું હતું.જોકે મહિલાને ઍમ્બ્યુલન્સમાં નાખીને મુંબઈ લવાયા બાદ તેને એક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
ગુરુવારે આખો દિવસ તપાસ કર્યા બાદ આરોપી પતિ-પત્નીના ઘરમાંથી કરોડો રૂપિયાના દાગીના અને કૅશ મળ્યાં હોવાનું કહેવાય છે. મોડી રાત સુધી તપાસ ચાલ્યા બાદ ગઈ કાલે પણ આરોપી કપલના ફ્લૅટમાં તપાસ કરાઈ હતી.તેમની પાસેથી મળી આવેલી લક્ઝુરિયસ કારનું રજિસ્ટ્રેશન મુંબઈનું હોવાનું જણાયું હતું.
મામલો શું છે?
ધ મહારાષ્ટ્ર ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આરોપી કપલે તેમની બોગસ કંપનીઓ ઊભી કરીને એના દ્વારા ૧૧૧ કરોડ રૂપિયાના જીએસટીની ચોરી કરી હોવાની જાણ થયા બાદ તેમની સામે ઑગસ્ટ ૨૦૨૧માં તપાસ હાથ ધરાઈ હતી. જોકે પહેલા દિવસથી જ બીમારીના નામે તેઓ તપાસમાં સહાય નહોતાં કરતાં અને રહસ્યમય રીતે ગાયબ થઈ ગયાં હતાં.સર્ચ ઑપરેશન કાયમ રખાયું હતું અને આરોપી કપલે ૪૮૨ કરોડ રૂપિયાનાં અસંખ્ય લોકોના નામે બોગસ બિલ બનાવીને ૧૧૧ કરોડ રૂપિયાના ટૅક્સની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું.સુરતમાં હાથ ધરવામાં આવેલું સર્ચ ઑપરેશન જીએસટીના જૉઇન્ટ કમિશનર (ઈન્વેસ્ટિગેશન-બી) સંપદા મહેતા,ડેપ્યુટી કમિશનર વિનોદ દેસાઈ,અસિસ્ટન્ટ કમિશનર હૃષીકેશ વાઘ,સ્ટેટ ટૅક્સ ઑફિસર સ્વાતિ શિંદે અને તેમની ટીમે પાર પાડ્યું હતું.