। ગાંધીનગર ।
ગુજરાતમાં ૧લી એપ્રિલ પછી વિદેશોમાંથી ઉડીને આવેલા નાગરિકોમાં કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા નથી ! લોક ડાઉન પહેલા ફેબ્રુઆરી- માર્ચમાં ગુજરાતના એડ્રેસવાળા ૨૭૦૦૦ પ્રવાસીઓએ વિદેશથી ભારતમાં પ્રવેશ મેળવ્યાનુ જાહેર કરવામાં આવ્યુ હતુ. રવિવારની સવારે જાહેર થયેલા મેડિકલ બુલેટીનમા પણ છેલ્લા પાંચ દિવસની જેમ વિદેશથી આવેલા કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યા ૩૩એ સ્થિર રહી છે. ૨૩મી માર્ચથી ગુજરાતમા અને ૨૪મી માર્ચથી ભારતમા લોકડાઉન અમલમા છે. છેલ્લા ૧૩થી વિદેશી હવાઇ ઉડ્ડયન સેવાઓ સ્થગિત છે ત્યારે તે પહેલા દેશ બહારથી આવેલા મોટાભાગના નાગરિકોમા કોવિડ-૧૯ના ચેપના પ્રસરવા માટે જાણીતો ઇન્ક્યુબેશન પિરિયડ પાંચમી એપ્રિલને રવિવારે પૂર્ણ થયો છે. આથી વિદેશથી આવેલાને બદલે તેમના સંપર્ક- સંસર્ગમાં રહેલા નાગરિકોમાં લોકલ ટ્રાન્સમિશનથી ચેપનો ફેલાવો વધ્યો છે. અત્યાર સુધીમાં ૧૨૨ પૈકી ૭૨ને લોકલ ટ્રાન્સમીશનથી ચેપ લાગ્યો છે અને તેમાંય વિતેલા ૪૮ કલાકમાં જ આ સંખ્યા ૯૫થી વધીને ૧૨૨એ પહોંચી છે. હવે ભારતમાં દિલ્હી, ઇન્દોર સહિત અન્ય બહારના શહેરોમાંથી ગુજરાતમાં આવેલાઓમા કોવિડ-૧૯નો ઇન્ક્યુબેશન પિરિયડ પીક ઉપર છે.
આંતર રાજ્ય પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ બે દિવસમા ૯થી વધીને ૧૭એ પહોંચી છે. આવા દર્દીઓમા દિલ્હી અને ઇન્દોર, મુંબઇથી આવેલા ચેપવાહકોને કારણે એક જ દિવસમાં ગુજરાતમાં પાટણ, છોટા ઉદેપુર અને જામનગર જેવા જિલ્લાઓમાં કોવિડ-૧૯નુ ખાતુ ખુલ્યુ છે. લોકડાઉનના શરૂઆતના બે-ચાર દિવસમાં સુરત- મુંબઈ જેવા મોટા શહેરોથી ગામડાઓમાં ઘુસેલા નાગરિકોને કારણે આવનારા ૬-૮ દિવસમાં ચેપગ્રસ્તના સંખ્યા વધે તો નવાઇ નહી.