ગાંધીનગર,તા.૨૫
આગામી એપ્રિલ મહિનામાં રાજ્યસભાના ૫૫ સાંસદો રિટાયર્ડ થઈ જશે. જેના કારણે ચૂંટણીપંચે ૨૬મી માર્ચે આ તમામ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી છે. ૫૫ બેઠકોમાંથી ગુજરાતની ચાર બેઠકો ઉપર પણ ચૂંટણી યોજાશે. એટલે આગામી સમયમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીનો જંગ જીતવા ભારે રસાકસી જોવા મળશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને ૨-૨ સીટ મળશે તેવી શક્યતાઓ છે.
ગુજરાતની ૪ રાજ્યસભાની બેઠક સહિત દેશભરની ૫૫ સીટો પર ચૂંટણી માટે ઈલેક્શન કમિશન ૬ માર્ચે નોટિફિકેશન બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ ૧૩ માર્ચ હશે. રાજ્યની ૪ સહિત ૫૫ બેઠકો માટે ૨૬ માર્ચે ચૂંટણી યોજાશે. ગુજરાતમાં શંભુપ્રસાદ ટુંડીયા, ચુનીભાઈ ગોહિલ, લાલસિંહ વડોદરીયા અને મધુસુદન મિસ્ત્રીની ટર્મ પૂર્ણ થાય છે.
તો ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે પરિસ્થિતિનો તાગ મેળવીએ તો, ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા ૧૮૦ છે. ૧૮૨માંથી ૨ બેઠકો ખાલી હોવાને કારણે સંખ્યાબળ ૧૮૦ છે. મોરવા હડફ અને દેવભૂમિ દ્વારકા એમ બે બેઠક ખાલી છે. તો ૧૮૦ બેઠકોમાંથી ભાજપની ૧૦૩, કોંગ્રેસ પાસે ૭૩, બીટીપી ૨ અને એનસીપી તેમજ અપક્ષની ૧-૧ બેઠક છે. આમ આ રીતે જોવા જઈએ તો, ભાજપ કોંગ્રેસ બન્નેને ૨-૨ બેઠકો મળવાની શક્યતા છે. જો કે, ભાજપ કોંગ્રેસનાં ધારાસભ્યોને તોડવાની કોશિશ કરે તો જ તે ત્રીજી બેઠક પર જીત હાંસલ કરી શકે છે.
સત્તાના લાલચુ લોકો ચાલ્યા ગયા છેઃ લલિત વસોયા
તો રાજ્યસભાની ચૂંટણી મુદ્દે લલિત વસોયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, રાજ્યમાં બે બેઠક પર કોંગ્રેસ જીતે તેમ છે. જે લોકો સત્તાના લાલચૂ હતા તે લોકો ચાલ્યા ગયા છે. હવે કોઈ ધારાસભ્ય કોંગ્રેસ છોડે તેમ નથી. એક બેઠક અમે ભાજપ પાસેથી છીનવી લઈશું. એનસીપી, બીટીપી, અપક્ષના ધારાસભ્યો અમને સાથ આપશે તેવો વિશ્વાસ લલિત વસોયાએ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો વફાદાર છે તેવું પણ લલિત વસોયાએ જણાવ્યું હતું.