નવી દિલ્હી તા. ૧૨ : કોરોનાના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યા છે ત્યારે કેટલાક રાજયોએ હવે ફરી નિયંત્રણો સખ્ત બનાવવાનું નક્કી કર્યું છે.૦૧ જૂનથી અનલોક ૧.૦ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનમાં મોટાપાયે છૂટછાટો અપાઈ હતી.જોકે,હવે રાજયો તેમાં કાપ મૂકવા જઈ રહ્યા છે. કુલ ૪ રાજ્યો છુટછાટો રદ્દ કરવા વિચારી રહ્યા છે.જેમાં પંજાબ, તામિલનાડુ, કેરળ, ઝારખંડનો સમાવેશ થાય છે.
ગુજરાતનું પાડોશી રાજય રાજસ્થાન પણ પોતાની બોર્ડર સીલ કરી ચૂકયું છે.૧ જૂનથી રાજયમાંથી બહાર જવા તેમજ અંદર પ્રવેશવા પરના નિયંત્રણ હટાવી લેવાયા હતા. જોકે, બે દિવસ પહેલા જ રાજસ્થાને એન્ટ્રી અને એકિઝટ માટે પાસ ફરજિયાત બનાવી દેતા બોર્ડર પર હજારો વાહનો અટવાઈ ગયા હતા.
જયાં હવે ઝડપથી કેસ વધી રહ્યા છે તેવા ચેન્નઇને જ લોકડાઉન કરી શકાય કે કેમ તેવો સવાલ મદ્રાસ હાઈકોર્ટે કર્યો છે.કોર્ટે શુક્રવાર સુધીમાં આ બાબતે સરકારને જવાબ આપવા જણાવ્યું છે.ચેન્નાઇમાં ૨૫,૦૦૦થી વધુ કેસ છે,જે આખા તમિલનાડુના ૭૦ ટકા જેટલા થવા જાય છે.ચેન્નાઇમાં અત્યારસુધી ૨૫૮ લોકોનાં મોત પણ થઈ ચૂકયા છે.
એક સમયે કોરોના પર કાબૂ મેળવી લેનારા કેરળમાં પણ હવે કેસ વધી રહ્યા છે,ત્યારે રાજય સરકારે કન્ટેઈન્મેન્ટ ઝોનના ધારાધોરણ વધુ કડક બનાવ્યા છે. સીએમ વિજયનના જણાવ્યા અનુસાર, હવે રોજેરોજ કન્ટેઈન્ટમેન્ટ ઝોનની બપોરે ૧૨ વાગ્યે જાહેરાત કરાશે. પંચાયત લેવલ પર વોર્ડ અનુસાર જયારે કોર્પોરેશન લેવલે સબ-વોર્ડ અનુસાર કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.
પંજાબના આરોગ્ય વિભાગે રાજયમાં કોરોના પીક પર પહોંચવથી બે મહિના દૂર છે તેવો અંદાજ વ્યકત કર્યા બાદ સરકારે જાહેર રજા તેમજ શનિ-રવિએ લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરવા આદેશ આપ્યા છે.આ દિવસોમાં ઘરની બહાર નીકળવા માટે મેડિકલ સ્ટાફ તેમજ જીવનજરુરી સેવાઓ સાથે સંકળાયેા સ્ટાફ સિવાયના લોકોને પાસ મેળવવો પડશે.
ઝારખંડની સોરેન સરકારે પણ લોકડાઉન કડકાઇથી લાગુ કરવા આદેશ આપ્યો છે. ૨૪ કલાકમાં ૪૮ નવા કેસ સામે આવ્યા છે.

