વોશિંગ્ટન : અમેરિકાની સંસદે કોરોના મહામારીના કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલા કરોડો અમેરિકનો અને બિઝનેસને સહાય આપવાની લાંબાગાળાની માગ સ્વીકારતા ૯૦૦ અબજ ડોલરના મહાકાય કોરોના સ્ટિમ્યુલસ પેકેજ પર મહોર મારી દીધી છે.અમેરિકી સેનેટે સોમવારે રાત્રે અમેરિકી સરકારના ૧.૪ ટ્રિલિયન ડોલરના રેગ્યુલર ફંડિંગ અને બિઝનેસને કરવેરામાં છૂટછાટો સાથે ૯૦૦ અબજ ડોલરની કોવિડ-૧૯ રાહત પેટે મહાકાય ખર્ચ ખરડાને મંજૂરી આપી હતી.અમેરિકી સેનેટમાં સ્પેન્ડિંગ બિલને બે વખત હાથ ધરાયેલા મતદાનમાં ૩૨૭-૮૫ અને ૩૫૯-૫૩ મતથી પસાર કરાયું હતું.અગાઉ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ દ્વારા આ બિલને પચારિક મંજૂરી આપી દેવાઇ છે તેથી હવે તેને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરી માટે મોકલી અપાશે. ૫,૫૯૩ પાનાના આ ખરડામાં ૨.૩ ટ્રિલિયન અમેરિકન ડોલરને મંજૂરી અપાઇ છે જે અમેરિકી ઇતિહાસનું બીજું સૌથી મોટું રાહતનું પગલું છે.અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ રાહતપેકેજને કારણે આગામી વર્ષે મંદીને ખાળવામાં ઘણી મદદ મળી રહેશે.
૬૦૦ મહાકાય પેકેજની જોગવાઈઓ ડોલર પ્રતિ અમેરિકનને રોકડ સહાય (૭૫,૦૦૦ ડોલરથી ઓછી વાર્ષિક આવક માટે)
૨૪૦૦ ડોલર પ્રતિ પરિવાર (૪ વ્યક્તિ)
૩૦૦ ડોલર પ્રતિ સપ્તાહ બેરોજગારી ભથ્થું ૧૧ સપ્તાહ સુધી
૩૦૦ બિલિયન ડોલરની અમેરિકન કંપનીઓને સહાય
૨૭૨ બિલિયન ડોલર બિઝનેસ માટેના પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ માટે
૨૫ બિલિયન ડોલર મકાનનાં ભાડા ચૂકવવા માટે
૧૫ બિલિયન ડોલર અમેરિકી એરલાઇન્સ કંપનીઓને સહાય માટે
૧૨.૫ બિલિયન ડોલર માજી લશ્કરી કર્મીઓની સારવાર માટે
આ તો માત્ર શરૂઆત છે, હજુ વધુ રાહતો જાહેર કરવામાં આવશે : પ્રેસિડેન્ટ ઇલેક્ટ બાઇડેન
કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલા અમેરિકાના નવા પ્રમુખ બનવા જઇ રહેલા જો બાઇડેને સોમવારે કોરોનાની રસી મુકાવી હતી.અન્ય અમેરિકનો પ્રોત્સાહિત થાય તે માટે બાઇડેનના રસીકરણનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરાયું હતું.અમેરિકી જનતા માટેના રાહતપેકેજ પર પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેને જણાવ્યું હતું કે,આ રાહતપેકેજ તો માત્ર શરૂઆત છે.આગામી સમયમાં સરકાર દ્વારા જનતા માટે વધુ રાહતો જાહેર કરાશે.