સુરત ,તા.31 જુલાઈ : વાપી ડીઆરઆઈએ હજીરાના અદાણી પોર્ટ પરથી ઝડપેલા રૃ.1.20 કરોડના પ્રતિબંધિત ટ્રમડોલ ડ્રગ્સના એક્સપોર્ટ પ્રકરણમાં નાર્કોટીક્સ એક્ટના ભંગ બદલ જેલભેગા કરેલા સોનગઢની મે.આર્ડર ડ્રગ્સ પ્રા.લિ.ના બે આરોપી સંચાલકો તથા કેમીસ્ટની જામીન મુક્તિ માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ રાજદિપસિંહ દેવધરાએ આરોપીઓ વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમદર્શનીય કેસનો નિર્દેશ આપી નકારી કાઢી છે.
સુરત-વાપી ડીઆરઆઈની ટીમે ગઈ તા.8મી જુલાઈએ સુરત હજીરાના અદાણી પોર્ટ પરથી રૃ.1.20 કરોડના પ્રતિબંધિત ટ્રમડોલ ટેબ્લેટ્સનો જથ્થા ભરેલા બે કન્ટેઈનર્સ ઝડપી પાડયા હતા.સોનગઢ વાપીના મે.આર્ડર ડ્રગ્સ પ્રા.લિ. દ્વારા આ જથ્થો એક્સપોર્ટ થઇ રહ્યો હોવાનું બહાર આવતા ફેકટરીમાં તપાસ કરાઇ હતી.જેમાં શકદારોએ 60 લાખની ટ્રમડોલ ટેબ્લેટનું ઉત્પાદન કરીને 44.79 લાખનો જથ્થો દક્ષિણ આફ્રિકાના દેશોમાં એક્સપોર્ટ કર્યા હતો.તેમજ એફેડ્રીન તેમજ સ્યુડો એફેડ્રીનનો રૃા.4.14 કરોડનો જથ્થો પણ કંપની સંચાલકોએ ડાયવર્ટ કર્યાનો ઘટસ્ફોટ થયો હતો.
જેથી આર્ડર ડ્રગ્સ પ્રા.લિ.ના આરોપી ડીરેકટરો હર્ષલ પ્રફુલ્લ દેસાઈ (સન સીટી કો. ઓ. સોસાયટી, આનંદ મહેલ રોડ, સુરત) મેહુલ મનુ દેસાઈ (જાગૃત્તિ સોસાયટી, બારડોલી) તથા કેમીસ્ટ તામેશ્વર યોગેરાજ પાટલે (કેસરી નંદન સોસાયટી, સોનગઢ) ની નાર્કોટીક્સ એક્ટના ભંગ બદલ ધરપકડ કરી હતી.ત્રણેય આરોપીએ જામીન માંગતા તેના વિરોધમાં ડીઆરઆઈ તરફે ખાસ નિયુક્ત સરકારી વકીલ ધર્મેન્દ્ર પ્રજાપતિએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુધ્ધ યુવાધનને પાર્ટી ડ્રગ્સના રવાડે ચડાવે તેવા પ્રતિબંધિત ડ્રગ્સના ઉત્પાદન નિકાસ કરી નાર્કોટીક્સ એક્ટના ભંગનો પ્રથમ દર્શનીય કેસ છે.આર્થિક લાભ માટે સાઠગાઠમાં વિદેશમાં ડિમાન્ડ ધરાવતા અને ફાઇટર ડ્રગ તરીકે જાણીતા આ ડ્રગનું ગેરકાયદે ઉત્પાદન-નિકાસ કરવાના ષડયંત્રમાં આરોપીઓ સામેલ છે.
Dailyhunt


