નવી દિલ્હી,તા.23.માર્ચ.2022,બુધવાર : યુક્રેન પર આક્રમણનો આદેશ આપ્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દુનિયાના સૌથી ચર્ચિત વ્યક્તિ બની ગયા છે.
69 વર્ષના પુતિન કેવુ વૈભવી જીવન જીવે છે તેની પણ વાતો હવે બહાર આવી રહી છે.તેમની વૈભવી લાઈફ સ્ટાઈલ અંગે વધુ કેટલીક જાણકારી પણ સામે આવી છે.
પુતિનને લક્ઝરિયસ વસ્તુઓનો કેટલો શોખ છે તે વાતનો અંદાજો તેના પરથી જ લગાવી શકાય છે કે,તેમના એક સુટની કિંમત 10 લાખ રૂપિયા કરતા વધારે છે.
તેમની પાસે મોંઘીદાટ ઘડિયાળોનુ મોટુ કલેક્શન છે.દુનિયા ભલે યુક્રેન પર રશિયાના આક્રમણના પગલે રશિયા પર પ્રતિબંધો લગાવી રહી હોય પણ પુતિન યુધ્ધ વચ્ચે પણ પોતાની લાઈફ સ્ટાઈલ સાથે કોઈ સમાધાન કરી રહ્યા નથી.ગયા સપ્તાહે તેમણે એક જાહેર સભાને સંબોધન કર્યુ હતુ ત્યારે તેમણે 10 લાખ રૂપિયાનો સુટ પહેર્યો હતો.આ સુટ લોરો પિયાના બ્રાન્ડનો હતો.
બ્રિટિશ અખબારનુ કહેવુ છે કે,પુતિનના દરેક સુટની કિંમત ચાર લાખ રૂપિયાથી શરૂ થાય છે.જેને રશિયાનો સૌથી હોંશિયાર ગણાતા ટેલર સીવે છે.પુતિન મોટા ભાગે બ્લેક સુટ અને રેડ ટાઈ પહેરીને જ નજરે પડતા હોય છે.
સૂત્રોનુ કહેવુ છે કે,પુતિન પાસેના વોચ કલેક્શનની કિંમત જ 4.55 કરોડ રૂપિયા છે.તેમની સૌથી મોંઘી ઘડિયાળ 3 કરોડની મનાય છે.જે યુરબોગ્રાફ બ્રાન્ડની છે.
પુતિન જીમ માટે જે કપડા પહેરે છે તેની કિંમત પણ લાખો રૂપિયામાં થવા જાય છે.એક ફોટોશૂટ દરમિયાન તેમણે અઢી લાખનો ટ્રેક સુટ પહેર્યો હતો.પુતિનના બ્લેક સીના કિનારે આવેલા 100 અબજની કિંમતના રહસ્યમય મહેલની ચર્ચા તો પહેલેથી જ છે.
આ સિવાય તેમની પાસે બીજી 19 પ્રોપર્ટી,58 વિમાન તથા 738 કરો઼ડ રૂપિયાની એક સુપરયાચ હોવાનુ પણ કહેવાય છે.

