સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે દહેશતનો માહોલ છે. ઈટાલી જેવા શહેરમાં કર્ફ્યું લાગુ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ભારતમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. એક તરફ સરકાર લોકજાગૃતિ ફેલાવે છે. એવામાં રાજકોટમાં ભૂવા-તાંત્રિકો લોકોને અંધશ્રદ્ધા દેખાડીને લૂંટ ચલાવી રહ્યા છે. બે ભૂવા અને બે તાંત્રિક સાથેનો એક વાર્તાલાપ રાજકોટમાંથી સામે આવ્યો છે. આમ તેનો ભાંડો ફૂટ્યો છે.
વિશ્વમાં ક્યાંય આ રોગની દવા શોધાય નથી ત્યાં આ ભૂવો એમ કહે છે કે, 11 વખત નાળીયેર માથા પરથી ઊતારી વધેરી નાખજો મંત્રેલો દોરો પહેરો એટલે કોરોના જતો રહેશે. આમ તે દોરા, ધાગા, તાવીજની વાત કરી લોકોને લૂંટી રહ્યો છે. બીજી તરફ ભૂવો એમ પણ કહે છે કે, આ વિધિ પછી રિપોર્ટ કરાવવાથી તે નેગેટિવ આવે છે. આ સાથે તે તબીબની સેવા લેવા પણ અપીલ કરે છે. આ ઉપરાંત ઘરના ઊંબરા પાસે ઊભા રહીને આ મંત્રેલો દોરો પહેરવાનું કહે છે. બીજો એક ભૂવો મંગળવાર અને શનિવારે જ મળે છે. ચાર વખત જારના દાણા ફેંકીને બીજો ભૂવો કહે છે કે, કંઈ નડતર નથી કરમ પીડા છે. બીજી તરફે એક તાંત્રિક નવગ્રહના શાંતિપાઠ કરવાનું કહે છે.
આ તાંત્રિક કહે છે કે, દવા ચાલુ રાખો અને શાંતિજાપ કરું એટલે સારું થઈ જશે જેના 1100 મોકલી દેજો. તાંત્રિક ખાતા નંબર પણ આપે છે. વિશ્વાસ આપે છે કે, પૈસા જમા કરાવી દો એટલે સારું થઈ જશે. જ્યારે બીજો એક તાંત્રિક તાવીજ મોકલીને સારવાર કરે છે. આ તાવીજને ડોકમાં પહેરવાનું કહે છે. જેની સામે તે રૂ.900 રૂપિયા વસુલ કરે છે. આમ રાજકોટમાં તાંત્રિકો અને ભૂવાઓએ લૂંટનો ધંધો શરૂ કર્યો છે. જેની સામે કેટલાક લોકો છેત્તરપિંડીનો ભોગ પણ બન્યા છે.