અમદાવાદ : ઇડીએ પોંઝી સ્કીમ ચલાવવા અંગે જયપુર સ્થિત કંપની વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં ડઝનથી વધુ એકમો સામે ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે કંપની ગોલ્ડ સુખ ટ્રેડ ઈન્ડિયા લિ. પર વર્ષ 2008થી 2011ની વચ્ચે ગેરકાયદેસર રીતે મલ્ટિ-લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવવાનો અને થાપણદારોની મહેનતથી મેળવેલા નાણાંની છેતરપિંડીનો આરોપ છે.12 વર્ષ જુના આ કેસમાં ઇડીએ હવે કાર્યવાહી કરી છે.
ઇડી અનુસાર રાજ્ય પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ નવ એફઆઈઆરનો અભ્યાસ કર્યા પછી જયપુરની વિશેષ પીએમએલએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે પોલીસે કંપની સામે 2008-09 થી 2010-11 દરમિયાન ખોટી રીતે લોકો પાસેથી પૈસા ઉઘરાવવા બદલ કેસ નોંધ્યો હતો. પોંજી સ્કીમ ચલાવવા બદલ ભારતીય દંડ સંહિતા અને પ્રાઇઝ ચિટ & મની સર્ક્યુલેશન સ્કીમ અધિનિયમ, 1978 હેઠળ અનેક ચાર્જશીટ પણ ફાઇલ કરી હતી.
સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઇડીએ તપાસ અને 3.06 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કર્યાના આધારે ચાર્જશીટ દાખલ કરી છે.ઇડીએ ચાર્જશીટમાં 12 આરોપીઓના નામ દર્શાવ્યા છે.ગોલ્ડ સુખ ટ્રેડ ઈન્ડિયા લિમિટેડની સમકક્ષ ગોલ્ડ સુખ કોર્પોરેશન લિમિટેડ,તેના ડિરેક્ટર મહેન્દ્રકુમાર નિરવન,માનવેન્દ્ર પ્રતાપસિંહ ચૌહાણ,પ્રમોદ,તેમના પરિવારના સભ્યો અને શેરહોલ્ડરોના નામ ચાર્જશીટમાં દાખલ કરાયા છે.આ ચાર્જશીટ બાદ આરોપીની સંપત્તિ પણ જપ્ત થશે.