– રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં ભરત બોઘરાએ ચૂંટણી પંચે કહ્યું હોય તેમ તારીખ જાહેર કરી દીધી
ગાંધીનગર,તા. 10 જુન 2022,શુક્રવાર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 15મી ઓક્ટોબરથી આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવશે. આવું વાક્ય ભારતનું ચૂંટણી પંચ નહીં પણ ભાજપના એક નેતા બોલ્યા છે. તેમણે આચાર સંહિતાની મુદ્દત જાહેર કરી દીધી છે.રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ એવો નિર્દેશ કરી દીધો છે કે ચૂંટણીની જાહેરાત દિવાલી પહેલાં થઇ જશે અને 15મી ઓક્ટોબર આસપાસ ચૂંટણી આચાર સંહિતા લાગુ કરાશે.આ બેઠક જિલ્લા ભાજપના પ્રભારી મહેન્દ્ર સરવૈયાની હાજરીમાં યોજવામાં આવી હતી.
ભરત બોઘરાએ કહ્યું હતું કે પાર્ટીના કાર્યકરોને ચૂંટણી તૈયારી માટે હવે 100 દિવસનો ટારગેટ રાખવાની સૂચના આપવામાં આવી છે.ભરત બોઘરા ચૂંટણી પંચે કહ્યું હોય તેમ ચૂંટણીની તારીખ જાહેર કરી રહ્યાં છે.આ વખતે 2022ની ચૂંટણી ડિસેમ્બરમાં યોજવામાં આવનાર છે.વહેલી ચૂંટણીની અટકળો પૂર્ણ થતાં ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓ આપોઆપ તારીખ જાહેર કરી રહ્યાં છે.પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના વિધાનો સાચા માનવામાં આવે તો 15 ઓક્ટોબર આસપાસ ચૂંટણી કાર્યક્રમ જાહેર થાય અને ડીસેમ્બરના પ્રારંભે કે નવેમ્બરના અંતે મતદાન થઇ શકે.


