– કોલસાના સપ્લાયરોને 150 કરોડ નહીં ચૂકવતા છેતરપિંડીનો કેસ
– અમદાવાદના નિવાસે પોલીસની રેડ, MD-ડિરેક્ટર ફરાર
અમદાવાદ, તા. 28 એપ્રિલ 2023 શુક્રવાર : ગુજરાતમાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝ મોટી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યું હોવાની વિગતો મળી હતી,જેને લીધે તે પોતાના આઈએમઆર,વીસા,બાલાજી માલ્ટઝ,ટ્રાફિગુરા,ડીબી ટ્રેડલિંક જેવા ચાવીરૂપ સપ્લાયરો સમક્ષ પેમેન્ટમાં નાદારી નોંધાવી દીધી છે.આ સપ્લાયરોને કંપનીએ આશરે 150 કરોડ ચૂકવવાના થાય છે.હાલ આ પેઢીઓએ સાંઘી સાથેના આર્થિક વ્યવહારો બંધ કરી દીધો હતો.એમ પણ જાણવા મળી રહ્યું છે કે, સાંઘીએ ભૂતકાળમાં અમુક ઇક્વિપમેન્ટ સપ્લાયરોની બેંક ગેરંટી પણ ખોટી રીતે વટાવી ખાધી હતી.આથી તેઓ એલ એન્ડ ટી જેવી મહાકાય બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે કાનૂની વિવાદમાં ફસાઈ ગયા છે.
સાંઘી સિમેન્ટે 150 કરોડની નાદારી નોંધાવી ઉપરાંત બેંક ગેરેન્ટી પણ ખોટી રીતે વટાવી હતી.આ કેસમાં સાંઘી ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર રવિ સાંઘી અને ડાયરેક્ટર આદિત્ય સાંઘી વિરુદ્ધ કોલકાતા પોલીસે ધરપકડ કરવા અમદાવાદ તેમના નિવાસ સ્થાને પહોંચી હતી.જોકે, તેઓ મળી આવ્યા ન હતા.સાંઘીના પ્રમોટરો સામે ગત વર્ષે અલીપોર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ હતી.બંનેને છેલ્લા 10 મહિનામાં અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા હોવા છતાં તેઓ પોલીસ સમક્ષ હાજર થતા નથી.જેને પગલે પોલીસે ધરપકડ વોરંટ કાઢ્યું હતું.
આયાતી કોલસાના સપ્લાયલરોને ચૂકવવાના થતા રૂ.150 કરોડમાં સાંઘીના પ્રમોટરો ડિફોલ્ટ થયા છે.છેતરપિંડીના અહેવાલોને પગલે સાંઘી ઈન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં પણ કડાકો બોલી ગયો હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર બંને પ્રમોટરની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા છે.કોલકાતા પોલીસ અધિકારી પાલે કહ્યું કે, અમે સાંઘી સિમેન્ટના ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટરની ધરપકડ માટે અમદાવાદ સ્થિતિ તેમના નિવાસ સ્થાને રેડ કરી હતી પરંતુ તેઓ મળી આવ્યા ન હતા.માત્ર તેમના પિતા જ ઘરે હતા.
સૂત્રોના કહેવા મુજબ, સાંઘી ગુજરાતમાં જખૌ બંદર ખાતે સાંઘી એન્કરેજમાં કોલસાની આયાત કરે છે.જ્યાં કોલસા જહાજમાંથી ખાલી કરાયા બાદ તે સીધા જ સાંઘીના સિમેન્ટ પ્લાન્ટમાં મોકલી દેવાય છે.આના માટેનું પેમેન્ટ તેઓ સપ્લાયરોને પોસ્ટ ડેટેડ ચેકથી કરે છે,પણ એવું જણાયું છે કે, કોલસાની ડિલિવરી લીધા બાદ સાંઘી બેંક ઓફ ઇન્ડિયા,એક્સિસ બેંક જેવી પોતાની બેંકો સાથે સાઠગાંઠ કરીને આ ચેકો રિટર્ન કરે છે.અગત્યની વાત એ છે કે, કંપનીનો ચેક બાઉન્સ થવો એ ગુનો હોવા છતાં આવી પ્રવૃત્તિ થઈ રહી છે.આમ જ્યાં સુધી તેઓને પૂરેપૂરું પેમેન્ટ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી કોલસો સપ્લાયરોના નામે જ રહે છે.
ઉદ્યોગનાં અંતરંગ વર્તુળોને તો જોકે ઇરાદાપૂર્વક આચરવામાં આવતી આ છેતરપિંડી વિશેની માહિતી છે જ, એવું પણ ધ્યાને આવ્યું છે કે, સાંઘી ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટરો સામે આ પ્રકારે સપ્લાયરો સાથેની છેતરપિંડીની ફરિયાદો થઈ છે.આ રીતે સપ્લાયરોએ કેસ કરીને નાણાંની રિકવરી માટે સાંઘી ઇન્ડસ્ટ્રીઝ સામે કાર્યવાહી કરી છે,જેમાં કંપનીના સીએમડી રવિ સાંઘી અને ડિરેક્ટર આદિત્ય સાંઘી સામેની વ્યક્તિગત ફરિયાદો પણ છે.આને લીધે સાંઘી ઇન્ડસ્ટ્રીઝ પડી ભાંગી છે અને સાંઘીના પ્રમોટરો પૈકી કોઈની ધરપકડ થવાની શક્યતા પણ નકારી શકાતી નથી.
સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિ. દેશમાં વાર્ષિક 6 મિલિયન ટનની ક્ષમતા સાથેનો કચ્છમાં સૌથી મોટો સંકલિત સિંગલ સ્ટ્રીમ સિમેન્ટ પ્લાન્ટ ધરાવે છે.તે બીએસઈ એનએસઈમાં લિસ્ટેડ થયેલી કંપની છે.આને પરિણામે ડિસેમ્બર 2022માં દેશના એક મોટા ઉદ્યોગગૃહના પ્રમોટર સભ્યે સાંઘી ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી.જાણવા મળ્યા મુજબ, એક મોટું ઔદ્યોગિક ગ્રૂપ આગામી 5 વર્ષોમાં સિમેન્ટના ધંધામાં 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરનાર છે.આ માટે તે વિવિધ સિમેન્ટ કંપનીઓને હસ્તગત કરશે. આથી એવું પણ મનાઈ રહ્યું છે કે, કોઈ મોટા જૂથનું સાંઘીમાં રોકાણ થતાં તેના સપ્લાયરો સહિતના બાકી ચૂકવણા કરી શકશે.