ચેન્નાઈ, તા. 21 ફેબ્રુઆરી, 2022, સોમવાર : ભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર આર પ્રાગનનંદાએ શતરંજના મેદાનમાં મોટી ઉલટફેર કરી છે.16 વર્ષીય ભારતીય ગ્રાન્ડ માસ્ટરે વર્લ્ડ નંબર-1 ચેસ માસ્ટર મૈગનસ કાર્લસનને આકરો પરાજય આપ્યો છે.પ્રાગનનંદાએ કાર્લસનને 39 ચાલમાં જ પટકી દીધો હતો.ઓનલાઈન રેપિડ શતરંજ ટુર્નામેન્ટ એરથિંગ્સ માસ્ટર્સના આઠમા તબક્કામાં તેમણે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.
પ્રાગનનંદાએ સોમવારે સવારે રમાયેલી બાજીમાં કાળા રંગના મહોરાઓ વડે રમીને કાર્લસનને 39 ચાલમાં હરાવ્યો હતો.આ રીતે તેણે કાર્લસનના વિજય અભિયાન પર પણ રોક લગાવી,જે અગાઉ સતત 3 બાજી જીત્યો હતો.
વિજય બાદ 12મા નંબરે પહોંચ્યા પ્રાગનનંદા
આ વિજય બાદ ભારતીય ગ્રાન્ડ માસ્ટરના 8 પોઈન્ટ થઈ ગયા અને તેઓ 8મા તબક્કા બાદ સંયુક્ત 12મા નંબર પર છે.પાછલા તબક્કાની બાજીઓમાં અપેક્ષિત પ્રદર્શન ન કરી શકનારા પ્રાગનનંદાનો કાર્લસન પરનો વિજય અપ્રત્યાશિત રહ્યો.અગાઉ તેમણે ફક્ત લેવ આરોનિયન સામે વિજય નોંધાવ્યો હતો.તે સિવાય પ્રાગનનંદા 2 બાજીઓ ડ્રો રમ્યા,જ્યારે 4માં તેમણે હારનો સામનો કરવો પડ્યો.
ઈયાન નેપોમનિયાચચી પોઈન્ટ ટેબલમાં ટોપ પર
પ્રાગનનંદાએ અનીશ ગિરિ અને ક્વાંગ લીમ સામેની બાજીઓ ડ્રો કરાવી હતી જ્યારે એરિક હૈનસેન,ડિંગ લિરેન,જાન ક્રિજસ્ટોફ ડૂડા અને શખરિયાર મામેદયારોવ સામે હાર સહન કરવી પડી હતી.થોડા મહિના પહેલા નોર્વેના કાર્લસન સામે વર્લ્ડ ચેમ્પિયનશિપનો મુકાબલો હારનારા રશિયાના ઈયાન નેપોમનિયાચચી 19 પોઈન્ટ સાથે ટોપ પર છે.
ઈયાન બાદ ડિંગ લિરેન અને હૈનસેન સંયુક્તરૂપે બીજા નંબરે છે.બંનેને સરખા 15-15 પોઈન્ટ છે.એયરથિંગ્સ માસ્ટર્સમાં 16 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.ટુર્નામેન્ટમાં દરેક વિજય પર ખેલાડીને 3 પોઈન્ટ અને ડ્રો પર 1 પોઈન્ટ મળે છે.ફર્સ્ટ સ્ટેપમાં હાલ 7 તબક્કાની બાજીઓ રમાવાની બાકી છે.