નવી દિલ્હી,તા.16.ડિસેમ્બર,2021 : 1971માં ભારતે આજના જ દિવસે પાકિસ્તાનને યુધ્ધમાં ધૂળ ચટાડી હતી.આજે વિજય દિવસના અવસરે પીએણ મોદી રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય મશાલના સન્માન સમારોહમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.
આ યુધ્ધમાં શહીદ થયેલા જવાનોને તેમણે શ્રધ્ધાંજલિ આપી હતી.સાથે સાથે વિઝિટર બૂકમાં તેમણે લખ્યુ હતુ કે,સમગ્ર દેશ તરફથી હું 1971ના યુધ્ધના યોધ્ધાઓને સલામ કરુ છું.નાગરિકોને તેમની વીરતા પર ગર્વ છે.આ યોધ્ધાઓએ વીરતાની અનોખી ગાથા લખી હતી.તેમણે કહ્યુ હતુ કે, આજે 1971 યુધ્ધમાં ભારતીય સેનાના જવાનોની વીરતા અને બલિદાનને યાદ કરવાનો અવસર છે.સાથે સાથે બાંગ્લાદેશને આઝાદ કરવા માટે લડનારા લોકોને પણ સલામ.આપણે સાથે મળીને અત્યાચારી શક્તિઓ સાથે લડાઈ લડીને વિજય હાંસલ કર્યો હતો.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ સન્માન સમારોહમાં હાજરી આપીને એક ટપાલ ટિકિટ રિલિઝ કરી હતી.તેમણે કહ્યુ હતુ કે,1971નુ યુધ્ધ ભારતના સૈન્ય ઈતિહાસનો સોનેરી અધ્યાય છે.ભારતીય સેનાની ઉપલબ્ધિઓ પર આપણને ગર્વ છે.

