સુરત : છ વર્ષ પહેલાં હાથ ઉછીના લીધેલા 2.80 લાખના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વિક્રમ કે.સોલંકીએ દોષી ઠેરવી આઠ મહીનાની કેદ, ફરિયાદીને ત્રીસ દિવસમાં ચેકની બમણી રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી છે.
નવાગામ સ્થિત ઉમિયાનગર ફ્લેટમાં રહેતા તથા મેડીકલના ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી જગદીશ બાબુલાલ પટેલને સુથારી કામ કરતાં આરોપી ચેતન પોપટ મેવાડા (રે.રામેશ્વર ગ્રીન, અલથાણ) સાથે મિત્રતા હતી.જે સંબંધના નાતે ઓગષ્ટ-2016માં આરોપીને નાણાંકીય જરૃરિયાત પડતાં ફરિયાદી પાસેથી છ માસ માટે રૃ.2.80 લાખ હાથ ઉછીના લીધા હતા.તેના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન થતા વિષ્ણુ પટેલ મારફત કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.જો કે આરોપીએ કોર્ટ કાર્યવાહી સરળતાથી ચાલે તે માટે ક્યારેય નિયમિત કોર્ટ કાર્યવાહીમાં હાજર ન રહેતાં તેમના બચાવના તથા ઉલટ તપાસનો હક્ક પણ બંધ કરાયો હતો.આરોપીની ગેરહાજરીમાં ચાલેલી કેસ કાર્યવાહી દરમિયાન ફરિયાદપક્ષે રજુ કરેલા પુરાવા તથા રજુઆતોના આધારે આરોપી ચેતન મેવાડાને દોષી ઠેરવાયા હતા.કોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ કોર્ટમાં હાજર ન હોઈ સુપ્રિમ કોર્ટે રાજેશ પન્નાડા વિ.સત્યનારાયણશ્રીરંગમના કેસના ચુકાદામાં પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંત મુજબ આરોપીને વિનામૂલ્યે કોર્ટનો ચુકાદો મેળવવાનો હક ન હોવાનો નિર્દેશ આપ્યો છે.આરોપી સામે બિનજામીનલાયક વોરંટ ઇસ્યુ કરી સજાનો અમલ કરાવવા નિર્દેશ કોર્ટે આપ્યો છે.


