અમદાવાદ મહાનગરપાલિકાના ઇન્ડિયા કોલોની વોર્ડમાંથી સોનલ પટેલે ટિકિટની માગણી કરી હતી. પણ કોંગ્રેસે ટિકિટ ન આપતા સોનલ પટેલે શહેર પ્રમુખ સહિતના કોંગ્રેસના આગેવાનો સામે ટિકિટ 20 લાખ રૂપિયાના વેચી હોવાનું નિવેદન આપ્યું હતું.સોનલ પટેલના આ નિવેદન પછી તેમને પ્રદેશ મહિલા કોંગેસના હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા આવે છે. મહિલા કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ પદેથી સોનલ પટેલની હકાલપટ્ટી કરવામાં આવી છે. મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રી બા વાઘેલા દ્વારા ગેરશિસ્ત મામલે સોનલ પટેલને હટાવવામાં આવ્યા હોવાની જાહેરાત કરી હતી. ચૂંટણી પહેલા કોંગ્રેસના જ આગેવાનો કોંગેસની વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમા પર પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે.
ગાયત્રી બા વાઘેલાએ જણાવ્યું હતું કે,દરેક પાર્ટીના નીતિનિયમો હોય છે.હું એ વાત સ્વીકારું છું કે,સોનલ પટેલ સારા,કર્મનિષ્ઠ અને કામ કરતા કાર્યકર્તા છે.એટલે મેં તેમની કામગીરી જોઈને મહિલા પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ બનાવ્યા હતા.પણ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે લોકશાહીમાં દરેકને ટિકિટ માગવાનો અધિકાર છે.પણ 50% મહિલા અનામતના કારણે બે મહિલાને ટિકિટ મળવાની હોય છે.એટલે અમે પણ પ્રદેશ કોંગ્રેસને કહ્યું હતું કે,જ્યાં પણ મહિલા કોંગ્રેસના આગેવાનો હોય ત્યાં તેમનો પણ સમાવેશ તમે કરજો.કદાચ ક્યાંક ટિકિટ વહેચણીમાં કોઈને અન્યાય થયો હોય તો આ વાત આપણા ઘરની વાત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા મારે પણ સોનલ પટેલની સાથે વાતચીત થઇ હતી કે,પાર્ટીએ નિર્ણય કરી નાંખ્યો છે ફોર્મ ભરાઈ ગયા છે. મેન્ડેટ આવી ગયા છે એટલે બીજું કઈ થઇ શકે તેમ નથી. આ બાબતે આપણે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીને કોઈ નિર્ણય કરીશું.પણ પાર્ટી વિરુદ્ધ બોલવામાં આવે તેના માટે આજે મને સોનલ બેનને મહિલા કોંગ્રેસના હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા છે.અન્યાય થયો હોય એટલે મગજ ઉગ્ર હોય છે એટલે કઈને કઈ બોલાય જતું હોય છે.ચૂંટણીના સમયે પાર્ટી વિરુદ્ધ કઈ બોલે તે યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે,સોનલ પટેલે અમદાવાદના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને શૈલેશ પટેલ પર પૈસા લઇને ટિકિટ આપી હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે જ આ આગેવાનોની પસંદગીની મહિલાઓને જ ટિકિટ આપવામાં આવી હોવાના આક્ષેપ સોનલ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા.