ઊંઝામાં ઉમિયા માતાજી સંસ્થાનની કારોબારી સભા યોજાઈ
ઊંઝા શહેરમાં આવેલ કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાની કારોબારી સભા ઉમેશ્વર હોલ ઉમિયા ભવન ખાતે યોજાઈ હતી. જેમાં વિઝન 2030 અંતર્ગત ઉમિયા માતાજીના 1001 મંદિર નિર્માણનો સંકલ્પ કરવા અંગે ચર્ચા કરાઈ હતી. આ કારોબારી સભામાં વિવિધ કારોબારી મીટીંગના ઠરાવો વંચાણમાં લઈ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે.પટેલ ,આદર્શ યુવા ધારાસભ્યનો એવોર્ડ મેળવનાર ઊંઝા ધારાસભ્ય ડો.આશાબેન પટેલ ,વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલનુ ઉમિયા માતાજી સંસ્થાનના હોદેદારો દ્રારા સ્વાગત કરવામા આવ્યુ હતુ.કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાની કારોબારી સભામાં અગાઉની કારોબારી મીટીંગના ઠરાવો તેમજ પેટા કમિટીઓએ કરેલ ઠરાવો તેમજ ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞના આવક જાવકના હિસાબો વંચાણે લેવાયા હતા. લક્ષચંડી મહાયજ્ઞનો આભાર પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
આ ઉપરાંત સંસ્થાના ભાવિ વિકાસ માટે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં જમીન ખરીદી કરવા અંગે ચર્ચા કરાઈ હતી. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા યોજાયેલ પ્રસંગોની કાયમી સ્મૃતિ રહે તે માટે સ્મૃતિ સ્થંભ બનાવવા યોગ્ય કરવા બાબત તથા વિઝન 2030 અંતર્ગત ઉમિયા માતાજીના 1001 મંદિર નિર્માણનો સંકલ્પ કરવા અંગે ચર્ચા કરાઈ હતી. ઉમિયા ધામ સોલા અમદાવાદ શ્રી ઉમિયા માતાજીનુ મંદિર બનાવવા અંગે ચર્ચા કરાઇ હતી. આ કારોબારી સભામાં ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ મણીભાઈ પટેલ, મંત્રી દિલીપભાઈ નેતાજી, લક્ષચંડી મહાયજ્ઞના પ્રમુખ બાબુભાઇ પટેલ તેમજ વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે.પટેલ સહિત ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટના હોદેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.