દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે હાલ સમગ્ર દેશમાં લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે,દેશમાં આ લોકડાઉન 3 મે સુધી રાખવામાં આવ્યું છે.આ અંગે વડાપ્રધાન મોદીએ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી.વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી આ બેઠકમાં દેશભરના મુખ્યમંત્રીઓ લોકડાઉન વધારવાની અપીલ કરી છે.જ્યારે અમુક રાજ્યો એવા પણ છે,જેમણે લોકડાઉનમાં થોડી ઢીલ આપવા અનુરોધ કર્યો હતો.ત્યારે આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, લોકડાઉનના કારણે દેશને ઘણો લાભ થયો છે. બીજા દેશોની તુલનામાં ભારતની સ્થિતી ઘણી સારી છે. જો કે,વડાપ્રધાન મોદીએ સાથે સાથે એવા પણ સંકેતો આપ્યા છે કે,આપણે ઘૈર્યપૂર્વકની લડાઈ ચાલુ રાખવી પડશે.
10 રાજ્યોએ લોકડાઉન આગળ વધારવા તૈયારી બતાવી
વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બોલાવેલી આ બેઠકમાં 10 રાજ્યોએ લોકડાઉનને આગળ વધારવાની સલાહ આપી છે,જ્યાં હાલમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે.જેમાં દિલ્હી,ગુજરાત,મધ્ય પ્રદેશ જેવા રાજ્યો સામેલ છે.વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે,આ લાંબી લડાઈ છે.આપણે ઘૈર્યપૂર્વક કામ પાર પાડવુ પડશે.તેલંગણાએ તો પહેલાથી જ 7 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી દીધી છે.
તબક્કાવાર સ્થિતીને ધ્યાને રાખી નિર્ણય લેવાશે
સૂત્રોના જણાવ્યા અનુસાર 3 મે બાદ લોકડાઉન પર હાલમાં તાત્કાલિક કોઈ નિર્ણય નહીં લેવાય.પણ વડાપ્રધાન મોદી સહિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની મત છે કે,3 મે બાદ પણ રાહત આપવા જેવી હાલત હજૂ નથી.જો કે, લોકડાઉનનું સ્વરૂપ સ્થાનિક કરવાની જરૂર છે,જ્યાં સૌથી વધારે સંક્રમણ છે.હોટસ્પોટ, રેડ ઝોન, ગ્રીન ઝોનના ચિન્હીત વિસ્તારોમાં ખાસ કામ કરવાની જરૂર છે,જેથી સંક્રમણને કાબૂમાં કરી શકાય.જો કે, યેલો ઝોનમાં થોડીક છૂટ મળી શકે છે.જ્યારે ગ્રીન ઝોનમાં તો સંપૂર્ણ પ્રતિબંધો હટી જશે,પણ સોશિયલ ડિસ્ટેંસિંગનો નિયમ અપનાવવો પડશે.