કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં લઈને ઇન્ડિયન રેલવેએ મોટો નિર્ણય લીધો છે અને 31 માર્ચ સુધી દેશમાં તમામ પેસેન્જર ટ્રેનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં લઇને આજે રેલવે બોર્ડની મીટિંગ કરવામાં આવી હતી. જનતા કર્ફ્યૂને લીધે આજે તો પેસેન્જર ટ્રેનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો જ હતો, પરંતુ આ રોકને વધારવાનો નિર્ણય આજે લેવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ જે ટ્રેનોની યાત્રા પૂરી થઇ ગઈ છે, તેને તુરંત પ્રભાવથી ટર્મિનેટ કરવાનો નિર્ણય થયો છે. હાલમાં 400 માલગાડીઓ પણ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસમાં એવા ઘણા રિપોર્ટ સામે આવ્યા હતા, જેમાં કોરોના વાયરસના શંકાસ્પદ લોકોએ ટ્રેનમાં ટ્રાવેલ કર્યુ હોય તેવું સામે આવ્યું હતું, જેને કારણે કોરોના વાયરસ ફેલાવાનો ખતરો વધી ગયો હતો. 1 દિવસમાં 1344ના મોત
આખી દુનિયાને ચપેટમાં લઈ લેનારો કોરોના વાયરસની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. ઇટલીમાં છેલ્લા 24 કલાકમાં 793 લોકોના મોતની ખબર આવી રહી છે. WHOના રિપોર્ટ મુજબ 21 માર્ચના રોજ કુલ 1344 લોકોના દુનિયાભરમાં આ વાયરસના કારણે મોત થયા હતા. 21 માર્ચના રોજ દુનિયાભરમાં 32000 લોકોને આ વાયરસનું સંક્રમણ લાગ્યાનો રિપોર્ટ છે. અત્યારસુધીમાં 266073 લોકો આ વાયરસથી સંક્રમિત છે. દુનિયાભરમાં આ વાયરસને કારણે અત્યારસુધીમાં 11184 મોત થયા છે. ભારતની વાત કરીએ તો 21 માર્ચ બપોરે 1 વાગ્યાના રિપોર્ટ મુજબ 348 લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે.
WHOના રિપોર્ટ મુજબ 21 માર્ચ સુધીમાં ચીનમાં 81416 લોકો હજુ આ વાયરસથી સંક્રમિત છે અને મૃતકોનો આંકડો ચીનમાં 3261 પર પહોંચી ગયો છે. કોરિયામાં 8799 લોકો આ વાયરસથી સંક્રમિત છે. જાપાનમાં 996 લોકો આ વાયરસથી સંક્રમિત છે. ઇટલીની વાત કરીએ તો 47021 લોકો આ વાયરસથી સંક્રમિત થઇ ગયા છે અને અત્યારસુધીમાં ઇટલીમાં 4032 લોકોના મોત થયા છે. સ્પેનમાં 19980 લોકો આ વાયરસથી સંક્રમિત છે અને 1002 લોકોના મોત થયા છે.
ઇરાનની વાત કરીએ તો 19644 લોકો આ વાયરસથી ત્યાં અત્યારે સંક્રમિત છે અને 1433 લોકોના અત્યારસુધીમાં ઇરાનમાં મોત થયા છે. 21 માર્ચના રિપોર્ટ મુજબ જર્મનીમાં 18323, ફ્રાન્સમાં 12475, સ્વિટ્ઝર્લેન્ડમાં 4840, UKમા 3983, નેધરલેન્ડમાં 2994, મલેશિયામાં 1030, ઓસ્ટ્રેલિયામાં 873, થાઇલેન્ડમાં 322, અમેરિકામાં 15219 લોકો આ વાયરસથી સંક્રમિત છે.
પટનાની AIIMSમા કોરોના વાયરસથી પીડિત એક વ્યક્તિનું મોત થઇ ગયું છે. આ સાથે જ ભારતમાં કોરોના વાયરસને કારણે મૃતકોની સંખ્યા 6 થઇ ગઇ છે. આજે જ મુંબઈમાં પણ કોરોના વાયરસને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. પટનામાં જે વ્યક્તિનું મોત થયું છે, તે કતારથી આવી હતી. રિપોર્ટ મુજબ આ વ્યક્તિનું મોત શનિવારે સવારે થયું હતું. આ પહેલા આ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તપાસમાં તે કોરોના પોઝિટિવ આવ્યો હતો. મૃતકની ઉંમર 38 વર્ષ છે. આજે બે લોકોના મોત બાદ કુલ મૃતકોની સંખ્યા 6 થઇ ગઈ છે અને 22 માર્ચ બપોરે 12 કલાક સુધીના આંકડા મુજબ દેશમાં 348 લોકો કોરોના વાયરસની ચપેટમાં છે.

