– કાનપુર,દિલ્હી,નોઈડા,કોલકાતા સહિત ૩૧ સ્થળો પર કાર્યવાહી
– આઈટી વિભાગે બાવન લાખ રૂપિયાની રોકડ, ૭ કિલો સોનુ જપ્ત, ૧૧૫ બનાવટી કંપનીઓનું નેટવર્ક પણ પકડી પાડયું
નવી દિલ્હી, તા.૩૦ : આવક વેરા વિભાગે ઉત્તર ભારત સ્થિત પાન મસાલા જૂથ પર દરોડા પાડીને રૂ. ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડી પાડી હતી તેમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી)એ શુક્રવારે જણાવ્યું હતું.સીબીડીટીએ જણાવ્યું હતું કે, કાનપુર, દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને કોલકાતા સહિત આ જૂથના ૩૧ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.આ જૂથ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ કામ કરે છે.
સીબીડીટીએ આ જૂથની ઓળખ જાહેર કર્યા વિના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આઈટીના દરોડામાં પ્રાથમિક અંદાજ મુજબ રૂ. ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તી પકડી પાડવામાં આવી છે.આ જૂથે પાન મસાલાના વેચાણ અને રિયલ એસ્ટેટમાં બેનામી કારોબારથી જંગી કમાણી કરી છે.આ કાળુ નાણું બનાવટી કંપનીઓ મારફત સફેદ કરવામાં આવતું હતું.આઈટી વિભાગે દરોડા દરમિયાન બાવન લાખ રૂપિયાની રોકડ અને ૭ કિલો સોનુ પણ જપ્ત કર્યા હતા.
સીબીડીટીએ કહ્યું હતું કે, બેનામી કંપનીઓના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક પકડી પાડવાના અભિયાન હેઠળની કામગીરીમાં પાનસલામા જૂથ પર દરોડા પાડવામાં આવ્યા હતા.આશ્ચર્યજનક રીતે આ કંપનીઓનું લોન સ્વરૂપનું ધિરાણ અને રિયલ એસ્ટેટ ગૂ્રપને ધિરાણ માત્ર ત્રણ વર્ષમાં રૂ. ૨૨૬ કરોડ જેટલું ઊંચું હતું.આઈટી વિભાગે આ પ્રકારની ૧૧૫ બનાવટી કંપનીઓનું નેટવર્ક પકડી પાડયું છે.
દરોડા દરમિયાન આવકવેરા વિભાગની ટીમોએ બેનામી નાણાંની વિગતો ધરાવતા દસ્તાવેજો છુપાવવાના ગુપ્ત સ્થળો પણ શોધી કાઢ્યા હતા અને મની લોન્ડરિંગની પદ્ધતિ પણ ખુલ્લી પાડી હતી.ટીમે કાળા નાણાંને સફેદ કરવાની ભૂમિકા સહિતની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો.સીબીડીટીએ જણાવ્યું હતું કે, પાન મસાલાના જૂથે ત્રણ વર્ષમાં રૂ. ૧૧૦ કરોડથી વધુની બેનામી લોનના દસ્તાવેજો મેળવ્યા હતા.આ ગૂ્રપ તેના બેનામી નાણાંને બનાવટી કંપનીઓને મિલકતોના વેચાણ સામે બોગસ એડવાન્સ,બોગસ લોન અને શેર પ્રીમિયા મારફત ખાતામાં બતાવતા હતા.
દરોડા દરમિયાન બનાવટી કંપનીઓના ૨૪ ‘બોગસ’ બેન્ક ખાતા પણ આઈટીની ટીમોએ શોધી કાઢ્યા હતા.વધુમાં બાયોડિગ્રેડેબલ વેસ્ટની ટ્રીટમેન્ટ સ્વરૂપે ઈન્કમ ટેક્સ હેઠળ ક્લેમ કરાયેલા ડિડક્શનની તપાસ કરાઈ રહી છે.કાગળ પરની કેટલીક બનાવટી કંપનીઓ કોલકાતા સ્થિત હતી અને બેન્ક ખાતાઓમાં રૂ. ૮૦ કરોડની રકમ જમા કરાવવા માટે તેમને બોગસ વેચાણ અને ખરીદી કરાયા હોવાનું દર્શાવાયું હતું.