– એરફોર્સની યુદ્ધ વિમાનોની અછત વચ્ચે
– 40 વિમાનોનું ઉત્પાદન સ્વદેશી હશે, મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે: કેન્દ્રનો દાવો
નવી દિલ્હી,
સંરક્ષણ મંત્રાલયે બુધવારે આશરે ૩૮ હજાર કરોડના સંરક્ષણ સોદાઓને મંજૂરી આપી હતી. આ સોદા આધુનિક તેજસ જેટ્સની ખરીદી માટે કરવામાં આવશે. આશરે ૮૩ જેટલા તેજસ જેટ્સની ખરીદી કરવામાં આવશે જેનાથી સૈન્યની તાકાત વધશે.
આ ૮૩માંથી ૪૦ જેટ્સ માટે એચએએલની સાથે કરારો થયા છે. આ ખરીદીથી મેક ઇન ઇન્ડિયાને પણ પ્રોત્સાહન મળશે તેવો દાવો સરકારે કર્યો હતો કેમ કે મોટા ભાગના જેટ્સનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે.
એવા અહેવાલો છે કે ડીલના ત્રણ વર્ષ બાદ એચએએલ એમકે-૧એ જેટનો પહેલો સેટ આપવાનું શરૂ કરી દેશે. એટલે કે હાલ જે ડીલ થવા જઇ રહી છે તે થયા બાદ ત્રણ વર્ષ પછી આ વિમાન સૈન્યને મળશે. હાલ ઇન્ડિયન એર ફોર્સ પાસે યુદ્ધ વિમાનોની અછત છે. જે વિમાનો છે તે પણ જુની પદ્ધતીથી કામ કરી રહ્યા છે તેથી આધુનિક વિમાનોની તાતી જરુરિયાત હોવાને કારણે સંરક્ષણ મંત્રાલયે આ મંજૂરી આપી હતી.