વલસાડ : વાપીના ગોદાલ નગર અને ચલામાંથી કોરોના પોઝિટિવના વારાફરતી કેસ મળ્યા બાદ વાપી પાલિકા અને વહીવટી તંત્રએ સ્વૈચ્છિક ચાર દિવસ સુધી દુકાનો,માર્કેટ અને ઓફિસ બંધ રાખવા અનુરોધ કર્યો હતો.ચાર દિવસના બંધ બાદ સોમવારે વાપી ટાઉન અને જીઆઇડીસીમાં દુકાનો ખુલી હતી. વાપી ટાઉન અને ગુંજન એરિયામાં ચાર દિવસ બાદ દુકાનો સોમવારે ખુલી હતી.જોકે,પાલિકા વિસ્તારમાં ઓડ એન્ડ ઇવન સિસ્ટમમાં દુકાનો ખુલવામાં આવી હતી.જેથી ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા અને શાકભાજી માર્કેટ 10 વાગ્યે અને અન્ય દુકાનો સાંજે ચારે બંધ થઇ હતી.વાપીના વેપારીઓને લોક ડાઉન 4માં 60 દિવસ પછી ખોલવાનો મોકો મળતાં તેમણે ખુશી વ્યક્ત કરી હતી.
વાપી ટાઉન અને ગુંજન એરિયામાં સાંજે ચાર વાગ્યા સુધી દુકાનો ધમધમ્યા બાદ બંધ કરી દેવામાં આવી હતી. શાકભાજી માર્કેટ 4 વાગ્યા સુધી ખોલવા માગ કરવામાં આવી છે.વાપી ટાઉનના જુના શાકભાજી માર્કેટના વેપારીએ જણાવ્યું હતું કે, કલેકટરના આદેશ મુજબ દુકાનો અને માર્કેટ સાંજે ચાર વાગ્યા સુધી ખુલી રાખી શકાશે.જોકે, સોમવારે પોલીસે સવારે 10 વાગ્યે જ શાકભાજી માર્કેટ બંધ કરાવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. વેપારીના જણાવ્યા મુજબ હાલ ગરમીનો પારો ઊંચો હોવાથી શાકભાજી જલ્દી બગડતાં હોવાથી સાંજે 4 વાગ્યા સુધી માર્કેટ ખુલી રાખવાની પરવાનગી મળવી જોઇએ.