ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે,ગાંધીનગર નજીક કરાઈ સ્થિત ગુજરાત પોલીસ અકાદમીના પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બિન હથિયારી લોકરક્ષક બેચ નંબર-13ના 438 તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. પોલીસ કલર્સ મેડલથી નવાજીત ‘ગુજરાત પોલીસ’નો હિસ્સો બની રહેલા આ તમામ દીક્ષાર્થી લોકરક્ષકોને અભિનંદન આપી ગૃહ રાજ્યમંત્રીએ ખાખીની ખુમારીનું જતન અને સમાજની સેવા સાથે આધુનિક ટેક્નોલોજી સાથે કદમથી કદમ મિલાવીને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવાના રાજ્ય સરકારના સંકલ્પની દિશામાં પ્રયત્નશીલ રહેવા આહવાન કર્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દેશના PM નરેન્દ્ર મોદીને યાદ કરતા જણાવ્યું હતું કે PM મોદીએ કહ્યું છે તેમ હવે દેશ અને રાજ્યની પોલીસે સ્માર્ટ હોવું જરૂરી છે.સ્માર્ટ એટલે S- સેન્સેટિવ, M- મોબાઇલ એન્ડ મોડર્ન, A- એકાઉન્ટેબલ એન્ડ એલર્ટ, R- રિસ્પોન્સિબલ એન્ડ રિલાયેબલ અને T- ટેક્નોસેવી. એવી જ રીતે હવે પોલીસે તેનાથી પણ વધુ એક કદમ આગળ સ્માર્ટની સાથે સાથે શાર્પ પણ હોવાની જરૂર છે.સોશિયલ મીડિયાના આ જમાનામાં વાઇફાઇના ઉપયોગ થકી હાઈ ફાઈ બનેલા ગુનેગારોની સામે પોલીસે પણ સ્માર્ટ અને શાર્પ બનવું જરૂરી છે અને તે બાબતને ધ્યાને રાખીને આ અકાદમી મારફત તમામ દીક્ષાર્થીઓને ખૂબ જ બારીકાઈથી તમામ વિષયોની તાલીમ આપીને તાલીમબદ્ધ કર્યા છે તેનો મને ગર્વ છે.
પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની દિશામાં રાજ્ય સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે તેમાં તમામ દીક્ષાર્થીનું યોગદાન પણ વિશેષ રહેવાનું છે.આજે દેશ-વિદેશના ઉધોગપતિઓ ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા માટે કરોડો-અબજો રૂપિયા ઈન્વેસ્ટ કરવા માટે આવી રહ્યા છે તેનું એક કારણ ગુજરાત રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ છે.અને તેની માટે ગુજરાત પોલીસ અભિનંદનને પાત્ર છે જેનો તમામ દીક્ષાર્થી લોકરક્ષક આજથી અભિન્ન અંગ બન્યા છે.કોરોનાની આ વિપરીત પરિસ્થિતિમાં પણ તાલીમબદ્ધ થઈ નાગરિકોના રક્ષણ અને તેમની સેવા માટે તૈયાર થયેલા દીક્ષાર્થીને અભિનંદન પાઠવી પરિવારનું અને ગુજરાતનું નામ ઉજ્જવળ કરવા આહવાન કર્યું હતું.
પ્રદિપસિંહે ઉમેર્યું કે, ગુનેગારોની સામે ગુજરાત પોલીસ તંત્ર પણ ટેક્નોસેવી બને તે માટે સરકારે પોકેટ કોપના માધ્યમથી પોલીસ તંત્રને સજજ કર્યું છે.એટલું જ નહીં રાજ્ય સરકારે રાજ્યમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત 7,000 જેટલા CCTV કેમેરા લગાડી રાજ્યને વધુ સુરક્ષિત બનાવ્યું છે.સમગ્ર ટેક્નોલોજીકલ અપગ્રેડેશનનો લાભ ત્યારે જ મળી શકશે જ્યારે પાયાના લોકરક્ષક જવાનો અપગ્રેડ હોય. અને મને ગર્વ છે કે આ તાલીમ શાળામાંથી તૈયાર થયેલા તમામ લોકરક્ષક જવાનોએ અત્યાધુનિક ટેક્નોલોજી સાથે યોગ્ય તાલીમ થકી પોતાની સ્કીલ અપગ્રેડ કરી છે.
રાજ્યના નિર્ણાયક CM વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત પોલીસમાં 50 હજારથી વધુ લોકરક્ષક પોલીસ જવાનોની ભરતી સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે.તે ઉપરાંત આવનારા દિવસોમાં વધુ 12 હજાર લોકરક્ષકની ભરતી કરવાનું આયોજન હોવાનું પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તે ઉપરાંત ગુજરાત સરકારે લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને શાર્પ વેપન આપી શકાય તે માટે લેન્ડ ગ્રેબીંગ એક્ટ,ગુંડા એક્ટ,ગૌ વંશ રક્ષણ તથા ચેન સ્નેચિંગના ગુનાઓ નિવારવા કડક કાયદાઓ અમલી બનાવ્યા છે. રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત સંપૂર્ણપણે સજજ છે.નવા દીક્ષાર્થી જવાનોને અનેક વિષયો પર તાલીમ અપાઈ છે.ક્યાંક ઇન્વેસ્ટીગેશન તો ક્યાંક વાઇટલ ઇન્સ્ટોલેશનની રક્ષા – સુરક્ષા અને બંદોબસ્ત સહિતના અનેક ભાગોમાં તમારી જવાબદારી વિશેષ રહેશે અને તેથી જ તમારી ઉપર અપેક્ષાઓ પણ વધુ હોવાથી ખૂબ જ જવાબદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા તેમણે આહવાન કર્યું હતું અને કોરોના કાળમાં પોતાની કે પરિવારની ચિંતા કર્યા વિના ગુજરાતની સાડા છ કરોડ જનતાને સંક્રમિત થતા બચાવવા ગુજરાત પોલીસે કરેલી ઉત્તમ કામગીરી બદલ તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર,રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશિષ ભાટિયા,અધિક પોલીસ મહાનિદેશક (તાલીમ) વિકાસ સહાય, ગુજરાત પોલીસ અકાદમી કરાઈના નાયબ પોલીસ મહા નિરીક્ષક અને આચાર્ય એન.એન.ચૌધરી સહિતના પોલીસ અધિકારી- કર્મચારીઓ,તાલીમાર્થી જવાનો,દીક્ષાર્થી જવાનો અને તેમના પરિવારના સભ્યો સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના કોરોના ગાઇડલાઈન જાળવવા અંગેના તમામ પ્રોટોકોલ સાથે ઉપસ્થિત રહ્યા હતા.


