સુરત : ચાર વર્ષ પહેલા રૃા.7.89 લાખનું ઉધાર યાર્ન ખરીદી પેમેન્ટ પેટે પ્રતિભા ફેશનના સંચાલકે આપેલા ચાર ચેક રીટર્ન થયા હતા ચાર વર્ષ પહેલાં કુલ રૃ.7.89 લાખના પેમેન્ટ પેટે આપેલા કુલ રૃ.5.76 લાખના ચાર ચેક રીટર્ન કેસમાં આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ આઈ.એમ.શેખે દોષી ઠેરવી એક વર્ષની કેદ,ફરિયાદીને ચેકની લેણી રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ છ મહીનાની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
રીંગરોડ સ્થિત જીવનદિપ કોમ્પ્લેક્ષ સ્થિત યાર્નના ધંધા સાથે સંકળાયેલી પેઢી દયા ટ્રેડર્સના ઓથોરાઈઝ્ડ પર્સન ફરિયાદી ગુંજનકુમાર ગોપાલપ્રસાદ સીંગ(રે.સુમન સંકલ્પ રાજ પેલેસ ગોડાદરા)એ રીંગરોડ સ્થિત પુનમ માર્કેટમાં આવેલા પ્રતિભા ફેશનના આરોપી સંચાલક પ્રધ્યુમન વૈદ્યને ડીસેમ્બર-2018 થી જાન્યુઆરી-2019 દરમિયાન કુલ રૃ.7.89 લાખની કિંમતનો ઉધાર માલ વેચાણ આપ્યો હતો.જેના પેમેન્ટ પેટે આરોપીએ આપેલા કુલ રૃ.5.76 લાખની કિંમતના ચાર ચેક રીટર્ન થતા વિષ્ણુ કે.પટેલ મારફતે કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.આજરોજ આ કેસની અંતિમ સુનાવણી બાદ ફરિયાદ પક્ષે નકારાયેલા ચેક કાયેદસરના લેણાં હોવાનું પુરવાર કરતા કોર્ટે આરોપીને દોષી ઠેરવ્યો હતો.અને કોર્ટ સમક્ષ ગેરહાજર રહેલા આરોપી વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરીને સજાના હુકમનો અમલ કરાવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

