કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, 5000 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી એવી ઘટના નથી બની કે કોઇ હિન્દુ રાજાએ કોઇ પણ મસ્જિદ તોડી હોય અને કોઇને તલવારની ધાર બતાવીને ધર્માંતારણ કરાવ્યું હોય. આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણી ભારતીય સંસ્કૃતિ પ્રગતિશીલ છે, સર્વસમાવેશક પણ છે અને સહિષ્ણુ પણ છે. આ સંસ્કૃતિ સંકુચિત, જાતિવાદી કે સાંપ્રદાયિક નથી. જો હિન્દુસ્તાનને ભવિષ્યમાં જીવીત રાખવા માંગતા હોવ, સાવરકરને જો ભૂલી જઇશું તો વર્ષ 1947માં એકવાર થયું છે, મને લાગે છે કે ભવિષ્યના દિવસો પણ સારા નહીં જાય. આ હું ખુબ જ જવાબદારીપૂર્વક કહું છું.
‘અખીલ ભારતીય સ્વાતંત્ર્યવીર સાવરકર સાહિત્ય સંમેલનમાં બોલતા ગડકરીએ કહ્યું હતું કે, શિવાજી મહારાજે તેના સૈનિકોને કહ્યું હતું કે, કોઇપણ ધર્મના પવિત્ર સ્થળનું અપમાન ન કરવું જોઇએ, માતા સમાન તેનું સન્માન કરવું જોઇએ. તેમણે કહ્યું હતું કે, સાવરકરે રાષ્ટ્રવાદી વિચારની જે સમજ આપી હતી એ આજે આપણા માટે ખુબ જરૂરી છે. આપણે એ તરફ ધ્યાન નહીં આપીએ તો આપણે એકવાર તો ભારતના ભાગલા જોયા જ છે. જો આમ જ રહ્યું તો આપણા દેશમાં ન તો સમાજવાદ રહેશે, નહીં લોકતંત્ર રહે કે નહીં ધર્મનિરપેક્ષતા રહે.
સાવરકર દર્શન પ્રતિષ્ઠાનમાં આયોજિત સંમેલનમાં ગડકરીએ કહ્યું હતું કે, સેક્યુલરનો મતલબ ધર્મનિરપેક્ષ નથી. સેક્યુલરનો મતલબ સર્વ ધર્મ સમભાવ છે. આ હિન્દુ સંસ્કૃતિનું નૈસર્ગિક સ્વરૂપ છે. આપણે બધી જ સંસ્કૃતિઓનું સન્માન કર્યું છે. અનેકતામાં એકતા આપણી વિશેષતા છે. આજની સ્થિતિમાં સર્વસમાવેશક, પ્રગતિશીલ થતા સાચા અર્થમાં સર્વ ધર્મ સમભાવ કરતા આગળ વધવાનું છે. પરંતુ, લઘુમતિ કે કોઇ કમ્યુનિટીનું તુષ્ટીકરણ કરવું એ ધર્મનિરપેક્ષતા નથી.
સાવરકરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, જે દેશમાં 51 ટકા મુસલમાનો છે એ દેશમાં ન તો સમાજવાદ છે કે નથી ધર્મનિરપેક્ષતા. એ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી મેજોરિટી મુસ્લિમ ઓછા નહીં થાય. મેજોરિટી મુસ્લિમ હોય તેવા દેશ કઇ રીતે ચાલે છે તે માટે પાકિસ્તાન અને સીરિયાને જ જોઇ લો. મુસ્લિમ સમાજમાં પણ પ્રગતિશીલ અને ઉદારવાદી લોકો છે. તેઓ ઇચ્છે છે કે શિક્ષણનો પ્રસાર થાય અને ભવિષ્ય જ્ઞાન-વિજ્ઞાનથી જોડાય. અમે કોઇ ધર્મના વિરોધમાં નથી. અમે સર્વ સમાવેશી, ઉદાર અને સહિષ્ણુ છીએ. અમે મુસ્લિમાનોના વિરોધમાં નથી કે નથી મુસ્લિમ સંસ્કૃતિના વિરોધમાં. જે આતંકવાદ છે તે ફંડામેન્ટલિસ્ટ છે. તેઓ એમ કહે છે કે અમે સારા છીએ બાકી બીજા ફકીર, સૌને હટાવો, આ પ્રવૃત્તિના વિરોધમાં છીએ.
ગડકરીએ કહ્યું હતું કે, સાવરકરના પરિવારે અને ખાસ કરીને સાવરકરના પરિવારની મહિલાઓએ ઘણાં અપમાનો સહન કર્યા છે. જ્યારે કોઇ સાવરકરની બાબતે ખોટી ટિપ્પણી કરે છે તો આંખોમાં આંસુ આવી જાય છે. કારણ કે તેમના વિચારોને ન સમજતા ટિપ્પણીઓ કરી દેવામાં આવે છે જે દુ:ખદ છે. સાવરકરની ઇમેજ વિરુદ્વ રિયાલિટી ગંભીર સમસ્યા છે. અમારા જેવા લોકોની કમી છે કે જે સાચા અર્થમાં તેમને રજૂઆત કરવામાં જેટલું સફળ થવું જોઇએ એટલા થયા નથી. એવા દેશભક્તનું સંકુચિત રાજનીતિ કરનારાઓએ અપમાન કરવાનો પ્રયત્ન કર્યો છે.