અમદાવાદ : શહેરમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રવિવારે વરસાદ પડી ગયાં બાદ શાસક ભાજપે મ્યુનિ.વહિવટીતંત્ર સાથે યોજેલી સમીક્ષા બેઠકમાં પ્રિ-મોન્સૂન એકશન પ્લાનની કામગીરી સામે નારાજગી વ્યકત કરતાં ભારે વરસાદની સ્થિતિમાં ડે.કમિશનર સહિત વોર્ડના કર્મચારીઓ રોડ ઉપર ઉતરવા જોઇએ તેવી તાકીદ કરી હતી તેમજ શહેરીજનોને ક્યાંય કોઇ તકલીફ પડે નહીં તે જોવા સૂચના આપી હતી.પ્રિ-મોન્સૂન એકશન પ્લાન સમીક્ષા બેઠક બાદ સ્ટે.કમિટી ચેરમેન હિતેષભાઇ બારોટે વધુ વિગતો આપતાં કહ્યું કે,ચોમાસા દરમિયાન શહેરમાં જે ૨૨૧ જગ્યાએ ખોદકામ થયુ છે ત્યાં ખાડા-ભૂવા પડે તો તેના પૂરાણ તાકીદે થાય અને તેના માટે છેલ્લી ઘડીએ મટિરિયલ શોધવા નીકળવુ ના પડે તે જોવાની તાકીદ કરવામાં આવી છે.હાલમાં છ જગ્યાએ ખોદકામ થયુ છે તે પણ ૨૦ તારીખ સુધીમાં તાકીદે પૂરું કરવા અથવા કોઇ વાહનચાલક કે રાહદારી ગબડી ન પડે તે માટે યોગ્ય આડશો લગાવવાની સૂચના આપવામાં આવી છે.
મેયર કિરીટભાઇ પરમાર,ડે.મેયર ગીતાબેન પટેલ અને પક્ષનેતા ભાસ્કર ભટ્ટની ઉપસ્થિતિમાં ચેરમેને જણાવ્યું હતું કે,ચોમાસાની મોસમમાં પડતી હાલાકીઓને લઇ ઇજનેર,હેલ્થ, સોલિડ વેસ્ટ અને ગાર્ડન વિભાગના અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે.ખાસ કરીને મ્યુનિ.હદમાં સમાવાયેલાં નવા વિસ્તારોનુ ખાસ ધ્યાન રાખવા જે તે ઝોનના ડે.કમિશનર સહિતના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.જોકે મ્યુનિ.સૂત્રોના જણાવ્યા અનુસાર,સમીક્ષા બેઠક પૂર્વે જ ભાજપના હોદ્દેદારો તથા પ્રભારી ધર્મેન્દ્રભાઇ શાહ નક્કી કરીને આવ્યા હોય તેમ પ્રશ્નો પૂછતાં હતા.તેમાં ગત વર્ષે ૫૩ જગ્યાએ પાણી ભરાયા હતા અને ચાલુ વર્ષે ૫૯ જગ્યાએ ભરાય તેવી શક્યતા વ્યકત થતાં મ્યુનિ.હોદ્દેદારોએ પાણી ભરાતી જગ્યા ઘટવાને બદલે વધે છે તો તમે શું કામગીરી કરી તેવો સવાલ કર્યો હતો.તેમજ તળાવોને ઇન્ટરલીંક કરવાની કામગીરીને લગતાં જવાબોથી પણ નારાજગી વ્યકત કરવામાં આવી હતી.
વરસાદ બાદ જાહેર માર્ગો ઉપરથી કાદવ-કિચડ સહિતના કચરાની સફાઇ અને દવા છંટકાવનો વિષય ઉપાડતાં હોદ્દેદારોએ હેલ્થ અને સોલિડ વેસ્ટ ખાતુ એકબીજાને ખો આપી છટકી જાય છે તેવી ટિપ્પણ કરતાં બન્ને ખાતાને અગાઉની જેમ એક કરી નાખવા જોઇએ તેવુ સૂચન કરતાં બન્ને વિભાગના અધિકારી ઉંચા થઇ ગયા હતા.તેવી જ રીતે દર ચોમાસામાં ખાનગી સોસાયટીઓમાં વૃક્ષ છોડ કાપવામાં આવે કે પડી ગયાં હોય તો તે ગ્રીન વેસ્ટનો નિકાલ કોણ કરે તે વિવાદ કાયમ ચાલે છે.તેમાં સોલિડ વેસ્ટ વિભાગ અને ગાર્ડન વિભાગ વચ્ચેના વિવાદનો અંત લાવતાં સ્ટે.કમિટી ચેરમેને રોડ ઉપર પડેલાં તમામ પ્રકારના ગ્રીન વેસ્ટનો નિકાલ ગાર્ડન ખાતાએ જ કરવાનો રહેશે તેવી સૂચના આપી દીધી હતી.
ખાસ કરીને શહેરમાં ભારે વરસાદ પડે અને ચારેકોર પાણી ભરાય તેવા સંજોગોમાં દરેક ઝોનના ડે.કમિશનરથી લઇને વોર્ડકક્ષાના કર્મચારીઓ રોડ ઉપર ઉતરવા જોઇએ અને વરસાદી પાણીનો નિકાલ કરાવવા સહિતની કામગીરીમાં લાગી જાય તેવી કડક સૂચના ચેરમેને આપી હતી.તદઉપરાંત શહેરમાં વરસાદી પાણી રોડ ઉપર અને ખાડા-પ્લોટમાં ભરાઇ રહે તથા બીજી બાજુ કરોડોના ખર્ચે ડેવલપ કરેલાં તળાવો ખાલી રહે તે ચાલે નહીં તેમ ચેરમેને ઇજનેર ખાતાને સુણાવ્યું હતું.


