અમદાવાદ : સિનિયર રેસિડેન્ટસીને બોન્ડેડ સેવા તરીકે ગણી લેવાની ઉગ્ર માંગ સાથે હડતાળ પર ઉતરેલા સરકારી મેડિકલ કોલેજોના પીજી રેસિડન્ટ-જુનિયર ડોક્ટરો અને સરકાર હવે સામે સામે છે ત્યારે હડતાળ આગળ પણ ચાલુ રહેશે.જુનિયર ડોક્ટરોની સરકારને રજૂઆત છે કે ગામોમા પણ જવા તૈયાર છીએ પરંતુ સિનિયર રેસિડેન્સી બોન્ડેડ સેવા તરીકે ગણવામા આવે.બીજી બાજુ સરકારે તમામ જુનિયર ડોક્ટરોને ટર્મિનેશન નોટિસ આપી છે અને હોસ્પિટલમાં હાજર થવા આદેશ કર્યો છે અને જો હાજર નહી થાય તો નિયમ મુજબ રેસિડેન્ટશિપ પૂર્ણ કરવામા આવશે .
અમદાવાદની સરકારી બી.જે.મેડિકલ કોલેજ તેમજ રાજકોટ,વડોદરા,ભાવનગર,સુરત અને જામનગર સહિતની છ સરકારી મેડિકલ કોલેજોના પીજી મેડિકલ ડિગ્રીના વિદ્યાર્થીઓ કે જેઓ હાલ સીનિયર રેસિડેન્ટશિપમાં છે ત્યારે તેઓની ઉગ્ર માંગ છે કે કોરોનામાં ૧૭ મહિના કામગીરી કરી છે ત્યારે તેને ધ્યાને લઈને ડિપ્લોમાના વિદ્યાર્થીઓની જેમ અને ડિગ્રીની ૨૦૧૮ની બેચની જેમ ૧ઃ૧ મુજબ સિનિયર રેસિડેન્સી બોન્ડેડ સેવા તરીકે ગણવામા આવે.વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે અગાઉ આરોગ્યમંત્રીએ પણ પત્ર લખી આ મુદ્દે ઘટતુ કરવા જણાવ્યુ હતુ અને આરોગ્યમંત્રી પણ તૈયાર પરંતુ હવે તેઓ જ વિદ્યાર્થીઓની માંગ માનવા તૈયાર નથી અને જુનિયર ડોક્ટરો સામે પગલા લેવા ચીમકી આપે છે.જે જુનિયર ડોક્ટરો સાથે મોટો અન્યાય છે.
તમામ સીનિયર પીજી રેસિડેન્ટ ગામડાઓમાં પણ જવા તૈયાર છે અને છ મહિના ગામોમા અને છ મહિના હોસ્પિટલોમાં સેવા આપવા તૈયાર છીએ પરંતુ સરકાર સિનિયર રેસિડેન્સશિપને બોન્ડેડ સેવા તરીકે ગણે.જો સરકાર આ માંગણી નહી માને તો આગળ પણ અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રહેશે અને હાલ જુનિયર ડોક્ટરો કોવિડ અને ઈમર્જન્સી સેવાથી પણ અળગા છે.આજે મોટી સંખ્યામાં જુનિયર ડોક્ટરોએ બી.જે.મેડિકલ કોલેજ કેમ્પસમાં ધરણા પર બેસીને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.