– નબળી ગુણવત્તાવાળો કોલસો PSUને ઊંચા ભાવે આપી કૌભાંડ કરાયું
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ચેન્નાઈની કંપનીના પ્રમોટરની 564.48 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે.આ કેસ જાહેર ક્ષેત્રના સાહસોને વેચેલા કોલસાનો ભાવ ઊંચો દર્શાવવાના કેસ સાથે જોડાયેલો છે.કોસ્ટલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (સીઇપીએલ) કંપનીના આ પ્રમોટરનું નામ એ આર બુખારી છે.બુખારી ચેન્નાઈની કોસ્ટલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ,કોસ્ટલ એનરજેન પ્રાઇવેટ લિમિટેડ,કોલ એન્ડ ઓઇલ ગુ્રપ દુબઈ, મોરિશિયસ તથા બ્રિટિશ વર્જીન ટાપુ સ્થિત એકમો ધરાવે છે, એમ ઇડીએ તેના શુક્રવારના નિવેદનમાં જણાવ્યું હતું.
આમાં કહેવાયું છે કે કેટલાક પીએસયુને ટેન્ડરમાં દર્શાવવામાં આવેલી ગુણવત્તા કરતાં ઓછી ગુણવત્તાવાળો કોલસો સીઇપીએલ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો.આ કોલસો તેણે પોતે પૂરો પાડયો હતોે અથવા તો એમએમટીસી દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો.
એજન્સીએ જણાવ્યું હતું કે નીચી ગુણવત્તાવાળા કોલસાનું ઓવરવેલ્યુએશન કરવામાં આવ્યું હતું.આ માટે સર્ટિફિકેટ ઓફ સેમ્પલિંગ એન્ડ એનાલિસિસ (સીઓએસએ)ના પ્રમાણપત્રને છેતરપિંડીપૂર્વક મેળવાયુ હતું અને આ રીતે સાચી ગુણવત્તાવાળા કોલસાનું પ્રમાણપત્ર તેની નીચે દબાવી દેવાયુ હતું.આમ નબળી ગુણવત્તાવાળા કોલસાનું ઊંચું મૂલ્ય બતાવીને બુખારીએ ૫૬૪.૪૮ કરોડનું કૌભાંડ આચર્યુ હતું.
બુખારીએ આના પેટે મળેલી ૫૫૭.૨૫ કરોડની રકમ સીઇપીએલ અને સીએનઓ ગુ્રપ એકમો, યુએઇ દ્વારા ડાઇવર્ટ કરીને પ્રીસિયસ એનર્જી હોલ્ડિંગ્સ લિમિટેડ,બીવીઆઇ અને મુતિયારા એનર્જી હોલ્ડિંગ્સ લિમિટેડ,મોરિશિયસ દ્વારા પરત લાવીને કોસ્ટલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડિયામાં રોકાણ કર્યુ હતું.સીબીઆઇ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે અને તેમાથી સુધ લઈને ઇડીએ તેમા અલગ કેસ ફાઇલ કર્યો છે.

