મુંબઇ : કલ્યાણ (પૂર્વ)માં બનેલી ઘટનાએ ચકચાર મચાવી દીધી છે.જાતીય સતામણીથી કંટાળીને યુવતીએ બિલ્ડીંગના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.આ કેસમાં આઠ જણની ધરપકડ કરવામાં આવી છે.વિડીયો વાયરલ કરવાની ધમકી આપી આરોપી યુવતીની મદદથી સાત નરાધમ ગત દોઢ વર્ષથી તેની સાથે દુષ્કૃત્ય કરતા હતા.આથી તે હતાશ થઇ ગઇ હતી.મૃતકના મોબાઇલ ફોનમાં સ્યુસાઇડ નોટ મળી હતી.પોલીસે મામલાની ઝીણવટભરી તપાસ શરૃ કરી છે.કલ્યાણના કોલસેવાડી પોલીસે આઠ જણ સામે કેસ દાખલ કર્યો છે.કલ્યાણ (પૂર્વ)માં રહેતી વિદ્યાર્થિની સારીકા(નામ બદલ્યુ છે)એ ૧૨મા ધોરણની પરીક્ષા આપી હતી.હાલમાં પરીક્ષાનું પરિણામ આવ્યું હતું.તે ૭૧ ટકા સાથે પાસ થઇ હતી.પણ બે દિવસ અગાઉ અચાનક સારીકાએ બિલ્ડીંગના ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.પોલીસે આ કેસની તપાસ શરૃ કરતા મૃતક યુવતીના મોબાઇળ ફોનમાં સ્યુસાઇડ નોટ મળી હતી.
પોલીસે એના આધારે વધુ તપાસ આદરી હતી.સ્યુસાઇડ નોટ વાંચીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.મૃતક પર છેલ્લા દોઢ વર્ષથી આ જ વિસ્તારમાં રહેતા સાત યુવક વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારતા હતા.આ સાત વિકૃત નરાધમને દુષ્કૃત્યમાં આરોપી યુવતી મદદ કરતી હતી.આ યુવતી પીડિતાની બહેનપણી હતી.પોલીસે પકડેલા આરોપીમાં ભાઇ,બહેનનો સમાવેશ છે.પીડિતાના પરિવાર દ્વારા પોલીસ સુરક્ષાની માગણી
અમારી પુત્રી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.તેને બિલ્ડીંગ પરથી ધક્કો મારીને નીચે ફેંકવામાં આવી હતી કે તેણે આત્મહત્યા કરી એની પોલીસે તપાસ કરવી જોઇએ.તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી.બળાત્કારની કલમ કેમ લગાડવામાં આવતી નથી? કલ્યાણના મોટા બિલ્ડરના પુત્ર આ ગુનામાં સામેલ છે.પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી કરવી જોઇએ બિલ્ડર દ્વારા અમારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે.અમારો જીવ દોખમમાં છે.અમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે,એવી માગણી મૃતકના પરિવારે કરી હતી.


