ભારતના ભાગલા માટેની સ્ક્રિપ્ટ આઝાદીના ઘણા સમય પહેલા લખવામાં આવી હતી.તેની પાછળનું કારણ હિન્દુઓ અને મુસ્લિમોના અધિકારો અને રાજકીય હિતોને આપવામાં આવે છે,પરંતુ એક સત્ય એ પણ છે કે અંગ્રેજો ઇચ્છતા ન હતા કે દક્ષિણ એશિયાનો આ દેશ ક્યારેય શાંતિમાં રહે.ક્યારેય અંગ્રેજી હકુમતમા ભારતના ગર્વનર જનરલ રહેલા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને ત્રણ જૂન 1947ના રોજ ભારતને બે હિસ્સામાં વહેંચવાની જાહેરાત કરી દીધી હતી.એટલુ જ નહી તેમણે રજવાડાઓને સ્વતંત્ર રહેવાનો વિકલ્પ આપ્યો હતો જેના કારણે કાશ્મીરની સમસ્યા વિકટ બની ગઇ હતી.માઉન્ટબેટને કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ સાથે લાંબી ચર્ચા કર્યા પછી ભારતના ભાગલાની જાહેરાત કરી હતી.મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી ઝીણા મુસ્લિમો માટે અલગ દેશની માંગ કરી રહ્યા હતા.
ઈતિહાસકારો કહે છે કે ભારતના ભાગલાની સ્ક્રિપ્ટ 1929માં શરૂ થઈ જ્યારે હિંદુ મહાસભાએ મોતીલાલ નહેરુ સમિતિની ભલામણો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.વાસ્તવમાં આ સમિતિએ અન્ય ભલામણો સાથે કેન્દ્રીય એસેમ્બલીમાં મુસ્લિમો માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની ભલામણ કરી હતી.હિન્દુ મહાસભા આ સાથે સહમત ન હતી.મોહમ્મદ અલી ઝીણા મુસ્લિમોના પ્રવક્તા બન્યા અને એવા ઘણા મુસ્લિમ નેતાઓ હતા જેઓ ભાગલાની તરફેણમાં ન હતા.મૌલાના આઝાદ અને ખાન અબ્દુલ ગફાર ખાન ઇમારત-એ-શરિયાના મૌલાના સજ્જાદ,મૌલાના હાફિઝ-ઉર-રહમાન,તુફૈલ અહમદ મંગલૌરી જેવા અનેક લોકો હતા જેઓ મુસ્લિમ લીગની વિભાજનકારી માનસિકતા અને રાજનીતિનો વિરોધ કર્યો હતો.
મુસ્લિમ લીગ ભારતના બહુમતિઓ પર પર વર્ચસ્વનું વાતાવરણ ઊભું કરવાનો અને લઘુમતીઓને અસુરક્ષિત ગણાવવાનો આરોપ મૂકતી રહી હતી.કોંગ્રેસમાં સામેલ હિન્દુ સમર્થકો અને હિન્દુ મહાસભાના નેતાઓ દ્વારા ભારત માતા કી જય,માતૃભાષા અને ગાય માતાના નારા પણ આ પાછળનું કારણ દર્શાવવામાં આવ્યા હતા.
1932માં ગાંધી-આંબેડકર કરાર કરવામાં આવ્યા હતા જેને પુણે સંધિ તરીકે પણ ઓળખવામાં આવે છે,જેમાં હરિજનો માટે બેઠકો અનામત રાખવાની વાત થઈ હતી.આ કારણે ઉચ્ચ જાતિઓ સિવાય મુસ્લિમોની બેચેની પણ વધી ગઈ હતી.બીજી બાજુ, બંગાળમાં હિંદુ-મુસ્લિમ સંઘર્ષ વધ્યો,જેણે દેશના ભાગલાનું બીજું કારણ શરૂ કર્યું હતું.પશ્વિમ બંગાળમાં હિંદુ મુસ્લિમ સંઘર્ષનો પાયો તો અંગ્રેજોએ નાખ્યો હતો જ્યારે 1905માં રાજ્યનું વિભાજન ધર્મના આધાર પર કરવામાં આવ્યું હતું.
અચાનક બ્રિટનથી સિરીલ રેડક્લિફ નામના અંગ્રેજને જમીનની વહેંચણી માટે બોલાવવામાં આવ્યો.આ વ્યક્તિ અગાઉ ક્યારેય ભારત આવ્યો ન હતો.એવું કહેવાય છે કે આ વ્યક્તિને ભારતની સંસ્કૃતિ, પૃષ્ઠભૂમિ અને લોકો વિશે કંઈ જ ખબર નહોતી.પંજાબ ક્યાં છે અને બંગાળ ક્યાં છે તે પણ તેમને ખબર ન હતી. રેડક્લિફે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમા રેખા દોરી હતી. 17 ઓગસ્ટ 1947ના રોજ ભારત-પાકિસ્તાનની સીમા રેખાને રેડક્લિફ લાઇન નામ આપવામાં આવ્યું હતું.
ભાગલા પછી લાખો લોકો પોતાના જ દેશમાં શરણાર્થી બન્યા. લગભગ 1.25 કરોડ લોકોએ પોતાનું વતન છોડીને વિસ્થાપિત થવું પડ્યું.જો કે, સ્વતંત્રતાની ઘોષણા પહેલા રમખાણો શરૂ થઈ ગયા હતા.વિભાજન પછી લાખો લોકોને પગપાળા અને બળદગાડા પર તેમના પૂર્વજોની જમીન છોડવાની ફરજ પડી હતી.
રમખાણોમાં અનેક લોકો માર્યા ગયા હતા.આઝાદી પછી જવાહરલાલ નેહરુ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા અને પાકિસ્તાનના લિયાકત અલી ખાન બન્યા હતા.પાકિસ્તાનની રચનાના 13 મહિના પછી મોહમ્મદ અલી ઝીણાનું અવસાન થયું. 14 ઓગસ્ટની રાત્રે 12 વાગ્યે પાકિસ્તાન ભારતથી અલગ થઈ ગયું.પાકિસ્તાનમાં પણ 14મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.