વલસાડ, 01 જુન : લોકડાઉન -1 માટે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે જાહેરનામુ બહાર પાડ્યા બાદ તેમાં અપાયેલી છુટછાટને અનુલક્ષી રાજ્ય સરકારના આદેશોના પગલે પ્રથમ તબક્કામાં 8 જૂન બાદથી વલસાડ જિલ્લામાં મળનારી છુટ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ સી.આર.ખરસાણે રવિવારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું.જેમાં કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારોમાં ધાર્મિક સ્થળો સહિત કામધંધા,વ્યવસાયોને છુટ અપાઇ છે.
પાલિકા વિસ્તારોમાં સવારે 8 થી સાંજે 7 સુધી અને બહારના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 8 થી સાંજે 8 સુધી તમામ આર્થિક પ્રવૃત્તિઓ માટે ફરજિયાત સોશ્યિલ ડિસ્ટેન્સિંગ,માસ્ક,હેન્ડ ગ્લોવ્ઝ,સેનેટરાઇઝ જેવા નિયમોના ચૂસ્તપણે પાલન સાથે છુટછાટ જાહેર કરાઇ છે.જેનું પાલન ન કરનારા સામે પાલિકા ચીફ ઓફિસર તથા ડીડીઓ દ્વારા રૂ.200 પેટે દંડનીય કાર્યવાહી થશે. આ જાહેરનામામાં કલેકટર ખરસાણે જિલ્લામાં એસટી બસની સેવા રાજ્ય સરકારે નક્કી કરવામાં આવનાર ડેપો મુજબ શરૂ કરી શકાશે તેવું જણાવ્યું છે.જિલ્લામાં સ્પોર્ટસ,સ્ટેડિયમની પરવાનગી મેળવીને ખોલી શકાશે,પરંતું તેમાં દર્શકો તથા મોટી સંખ્યામાં ભેગા થવા પર પ્રતિબંધ રહેશે.ટેલિકાસ્ટિંગ પર પ્રતિબંધ રહેશે નહિ.નગરપાલિકા વિસ્તારોમાં 8 જૂન 2020 પછી શેરીના વેન્ડર્સોને સંચાલન નગરપાલિકા દ્વારા આપવામાં આવશે.કોરોના મહામારીની વચ્ચે હવે જ્યારે સોમવારથી વધુ છૂટ મળી રહી છે. ત્યારે દરેકે પોતાનો સ્વ બચાવ કરીને સાવચેત રહેવાની તાતી જરૂરિયાત છે. .
હવે હોટલ, ધાર્મિક સ્થળો સહિતની સુવિધાઓ પ્રાપ્ત થશે.હોટલો,ક્લબો,રેસ્ટોરન્ટ,ભોજનાલયો,શોપિંગ મોલ,મોલની દૂકાનો,છુટક દૂકાનો,100 ટકા કેપેસિટી સાથે ઉદ્યોગો,ધાર્મિક સ્થળો,20 વ્યક્તિઓ સાથે સ્મશાન યાત્રા,લગ્ન (50 વ્યક્તિઓથી વધુ નહિ),ચાહ કોફી સ્ટોલ્સ,પાનની દૂકાનો (વસ્તુ લઇને જતા રહેવું,ટેક અવે),સલુન,હેર કટિંગની દૂકાનો,બ્યુટી પાર્લરો,લાયબ્રેરીઓ (વાચકોની 60 ટકાની ક્ષમતામાં), તમામ રિપેરિંગની દૂકાનો, ગેરેજો, વર્કશોપ્સ, સર્વિસ સ્ટેશનો
રિક્ષા, ટુ વ્હિલર, બસ અને ખાનગી બસના પરિવહન માટેની છૂટ.ગુજરાત પરિવહન નિગમની બસ સેવા, ખાનગી બસ સેવા શરૂ કરી શકાશે,જેમાં 60 ટકા બેઠક ક્ષમતા રહેશે, જેમાં ઉભા રહીને પરિવહન કરી શકાશે નહિ. રિક્ષામાં 1 ડ્રાઇવર,2 પેસેન્જર,કેબ ટેક્સી ખાનગી વાહનોમાં ડ્રાઇવર અને 2 પેસેન્જર, ટુ વ્હીલરમાં 1 ચાલક સાથે 1 વ્યક્તિ. અગાઉ બાઇક ઉપર માત્ર ચાલક એક જ વ્યક્તિ જઇ શકતો હતો જે હવે બાઇક ઉપર ડબલ સવારીની પરવાનગી મળી છે.
પર્યટક સ્થળ અને સિનેમા હજુ બંધ રહેશે. શૈક્ષણિક સંસ્થાઓ,કોચિંગો,સ્વિંમિંગ પુલ, જાહેર બગીચા, વોટર પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, પુરાતત્વીય સ્થળો, દરિયા કિનારા, બીચ, પર્યટક સ્થળો, જિમ્નેશિયમ, સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, મોટા મેળાવડા, જાહેર કાર્યક્રમો, ફંક્શનો, સાંસ્કૃતિક કાર્યક્રમો, થિયેટર્સ, ઓડિટોરિયમ, વૃધ્ધો, ગર્ભવતી, બાળકો માટે હજુ લોકડાઉન. કલેકટર સી.આર.ખરસાણે બહાર પાડેલા જાહેરનામામાં 65 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ,ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી વય ધરાવતા બાળકોને ફરજિયાત ઘરમાં રહેવાનો હુકમ કર્યો છે.આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા કે આરોગ્યના કારણોસર બહાર જવુ પડે તો જ નિકળી શકાશે.