– સંગઠને ઈજિપ્તના સૈફ અલ અદલને આતંકી સંગઠનનો વડો જાહેર કર્યો છે
– ગત વર્ષે જુલાઇમાં અમેરિકા દ્વારા કરાયેલા ડ્રોન હુમલામાં અલ કાયદાનો પૂર્વ વડો અલ જવાહિરી ઠાર મરાયો હતો
કૈરો , તા 16, ફેબ્રુઆરી, 2023,ગુરુવાર : દુનિયાભરમાં આતંક મચાવનારા આતંકી સંગઠન અલ કાયદાએ તેના નવા વડાની પસંદગી કરી લીધી છે.સંગઠને ઈજિપ્તના સૈફ અલ અદલને આતંકી સંગઠનનો વડો જાહેર કર્યો છે.ખરેખર ગત વર્ષે જુલાઇમાં અમેરિકા દ્વારા કરાયેલા ડ્રોન હુમલામાં અલ કાયદાનો પૂર્વ વડો અલ જવાહિરી ઠાર મરાયો હતો.તેના બાદથી જ આ સંગઠનના નવા પ્રમુખ માટે શોધખોળ ચાલી રહી હતી.
1980ના દાયકાથી જ અલ-કાયદા સાથે તેનો સંબંધ રહ્યો છે
સોમવારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કરવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અલ કાયદાએ તેના નવા વડાની પસંદગી કરી લીધી છે.તેનું નામ સૈફ અલ અદલ છે.તે ઈજિપ્તના સૈન્યનો પૂર્વ કર્નલ રહી ચૂક્યો છે. 1980ના દાયકાથી જ અલ-કાયદા સાથે તેનો સંબંધ રહ્યો છે.
આતંકીઓ અને હાઈજેકર્સને તેણે જ ટ્રેનિંગ આપી હતી
9/11ના હુમલામાં પણ સૈફની ભૂમિકા રહી હતી.આ હુમલામા સામેલ આતંકીઓ અને હાઈજેકર્સને તેણે જ ટ્રેનિંગ આપી હતી.સૈફ અલ અદલ 62 વર્ષનો છે અને તેણે આતંકી સંગઠનની તાકાત વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.તે 2002-2003થી ઈરાનમાં આશ્રય લઈ રહ્યો છે અને ત્યાંથી જ તેના કામને અંજામ આપે છે.અત્યાર સુધી તે સેંકડો આતંકીઓને ટ્રેનિંગ આપી ચૂક્યો છે.
તેના પર 10 મિલિયન ડૉલરનું ઈનામ જાહેર છે
જોકે અત્યાર સુધી અલ કાયદા તરફથી આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.ઘાતક આતંકી ઓસામા બિન લાદેનની સુરક્ષાની જવાબદારી પણ સૈફ અલ અદલ પાસે જ હતી.સૈફ અલ અદલ પર 10 મિલિયન ડૉલરનું ઈનામ જાહેર કરાયું છે.તે દરેક હુમલાનું પ્લાનિંગ નિર્દયાપૂર્વક કરે છે.