કાબુલ, તા. 02 ઓગષ્ટ 2022, મંગળવાર : અમેરિકાએ ડ્રોન સ્ટ્રાઈકમાં અલ કાયદાના ચીફ અલ જવાહિરીને ઠાર કર્યો છે.અલ જવાહિરી (71 વર્ષ) ઓસામા બિન લાદેનના મોત બાદથી આતંકી સગંઠન અલ કાયદાનો લીડર હતો.જવાહિરી કાબુલમાં એક ઘરમાં છૂપાયેલો હતો.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને અલ જવાહિરીના મોતની પુષ્ટિ કરી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યુ કે, જવાહિરી 9-11ના હુમલામાં સામેલ હતો.આ હુમલામાં 2977 લોકોના મોત થઈ ગયા હતા.દાયકાઓથી તે અમેરિકીઓ પર હુમલાનો માસ્ટરમાઈન્ડ રહ્યો છે.જવાહિરીએ કાબુલમાં આશરો લીધો હતો.અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે ડ્રોન હુમલામાં માર્યો ગયો છે.અમેરિકાએ આ હુમલા માટે બે હેલફાયર મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.શનિવારે રાત્રે 9:48 કલાકે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.કહેવામાં આવી રહ્યું છે કે, જવાહિરી પર હુમલા પહેલા બાઈડને પોતાના કેબિનેટ અને સલાહકારો સાથે કેટલાક અઠવાડિયા સુધી બેઠક કરી હતી.એટલું જ નહીં ખાસ વાત એ છે કે, આ હુમલા સમયે કાબુલમાં એકપણ અમેરિકન હાજર નહોતો.
હક્કાની તાલિબાનના વરિષ્ઠ લોકો આ વિસ્તારમાં જવાહિરીની હાજરીથી વાકેફ હતા.અમેરિકન અધિકારીઓએ કહ્યું કે, તે દોહા કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.તાલિબાને જવાહિરીની ઉપસ્થિતિ છુપાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો.તાલિબાને પણ તેના ઠેકાણા સુધી કોઈ પહોંચી ન જાય તે માટે ખાસ ધ્યાન આપ્યું હતું.આ માટે તેના પરિવારના સભ્યોનું લોકેશન પણ બદલવામાં આવ્યું હતું.જો કે, યુએસએ સ્પષ્ટ કર્યું છે કે, આ હુમલામાં તેમના પરિવારને ન તો નિશાન બનાવવામાં આવ્યા છે કે, ન તો કોઈ નુકસાન થયું છે.એટલું જ નહીં, અમેરિકાએ તાલિબાનને પણ આ મિશન વિશે માહિતી નહોતી આપી.
કોણ હતો જવાહિરી?
જવાહિરી 11 વર્ષથી અલ કાયદાનું નેતૃત્વ કરી રહ્યો હતો.તે એક સમયે ઓસામા બિન લાદેનના અંગત ચિકિત્સક હતા.જવાહિરી ઈજિપ્તના એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી હતા.તેના દાદા રાબિયા અલ જવાહિરી કૈરોની અલ-અઝહર યુનિવર્સિટીમાં ઈમામ હતા.તેમના પરદાદા અબ્દેલ રહેમાન આઝમ આરબ લીગના પ્રથમ સચિવ હતા.એટલું જ નહીં અમેરિકા પર આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડના કાવતરામાં જવાહિરીએ મદદ કરી હતી. 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકા પર થયેલા હુમલા બાદ જવાહિરી છુપાઈ ગયો હતો.ત્યારબાદ તે અફઘાનિસ્તાનના પર્વતીય તોરા બોરા ક્ષેત્રમાં અમેરિકી હુમલામાં બચી ગયો.જેમાં તેની પત્ની અને બાળકોના મોત થઈ ગયા હતા.