– અમદાવાદના ૧૪૦૦૦ એજન્ટોને રૂ. ૩ર.પ૦ કરોડ ચૂકવ્યા
અમદાવાદ તા. ૪ : ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી) એ કોરોનાની મહામારી વચ્ચે પોતાના એજન્ટને કોઇની પાસે હાથ લાંબો ન કરવો પડે તે માટે તમામ એજન્ટને વગર વ્યાજે રૂ.પચાસ હજાર આપવાનો નિર્ણય લીધો છે.એપ્રિલ માસમાં એજન્ટોના ખાતામાં રૂ.રપ૦૦૦ જમા થઇ ગયા છે અને બીજા રૂ.રપ૦૦૦ મે મહિનાની ૧પ મી તારીખે જમા થઇ જશે.માત્ર અમદાવાદના લગભગ ૧૪૦૦૦ એલઆઇસી એજન્ટના ખાતામાં રૂ.૩ર.પ૦ કરોડ જમા કરાવી દીધા છે.
આ રૂપિયા એજન્ટોએ છ મહિના બાદ બે વર્ષ સુધીના હપ્તામાં પરત કરવાના રહેશે.દેશભરમાં એજન્ટોને એલઆઇસીએ ર૭૦૦ કરોડ આપવનો નિર્ણય લીધો છે.એલઆઇસીના આ નિર્ણયથી એલઆઇસીના લાખો મધ્યમ વર્ગીય એજન્ટોને મોટી રાહત થઇ ગઇ છે.એજન્ટ તરીકે કામ કરતા કોઇપણ વ્યકિતને આ મહામારીમાં આર્થિક સંકડામણનો ભોગ બનવું પડે નહીં અને કોઇની આગળ હાથ લાંબો ન કરવો પડે નહીં તે માટે તમામ એજન્ટને બે હપ્તામાં પચાસ હજાર આપવાનો નિર્ણય લેવાયો છે.એલઆઇસી કલાસ ટુ ઓફિસર એસોસીએશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દીપક વાઘેલાએ જણાવ્યું હતું કે,ઘણા એવા એજન્ટ છે કે જે ફુલટાઇમ એલઆઇસી નું જ કામ કરે છે.તેમને આર્થિક સંકડામણ થાય તે સ્વાભાવિક છે.એજન્ટને મુશ્કેલીમાં ન મૂકાવું પડે તે માટે એલઆઇસીએ દેશભરના લાખો એજન્ટોના ખાતામાં રૂ.ર૭૦૦ કરોડ જમા કરાવવાનો નિર્ણય લઇ અમલ પણ કરી દીધો છે.એજન્ટે આ રૂપિયા છ મહીના પછી એટલે કે આગામી ઓકટોબરથી બે વર્ષ સુધી હપ્તેથી ચૂકવવાના રહેશે.આ રકમ ઉપર કોઇપણ વ્યાજ લેવાશે નહીં.એલઆઇસી એજન્ટ નવીન પટેલે જણાવ્યું હતું કે,એલઆઇસીના આ નિર્ણયથી કોરોનાની મહામારી વચ્ચે કોઇ એજન્ટ આર્થિક સંકડામણમાં મુકાયો નથી.