– લોકડાઉનના ૪૦ દિવસ બાદ દારૂની દુકાનો ખુલી : ઉત્તર પ્રદેશમાં એક જ દિવસમાં ૨૨૫ કરોડનો દારૂ વેચાયો : દિલ્હી- મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ કરોડોનો દારૂ વેચાયો : કર્ણાટકમાં ૪૫ કરોડ તો આંધ્રપ્રદેશમાં ૪૦ કરોડનો દારૂ વેચાયો
લખનઉ, તા.૫: લોકડાઉનનો ત્રીજો તબક્કો સોમવારથી લાગુ થયો.આ દિવસે જ લખનઉમાં સવાર-સવારમાં નજારો બદલાયેલો જોવા મળ્યો.છેલ્લા એક મહિનાથી સૂમસાન ભાસી રહેતા રસ્તાઓ પર સવારે સાત વાગ્યામાં જ ભારે ભીડભાડ જોવા મળી.કોઈ થેલી લઈને તો કોઈ પ્લાસ્ટિક બેગ લઈને દારૂની દુકાન તરફ જતા જોવા મળ્યા ૧૦ વાગ્યે જયારે દુકાનોના શટર ખુલ્યા તો દારૂ ખરીદવા લોકો ઉમટી પડ્યા.છુટ્ટાની માથાકૂટ ન થાય તે માટે લોકો પરચૂરણ લઈને પણ આવ્યા હતા અલીગંજ,મહાનગર,હસનગંજ,હજરતગંજ,ઠાકુરગંજ,આલમબાગ,સુશાંત ગોલ્ફ સિટી,પીજીઆઈ,કાકોરી,મોહનલાલગંજ, ગોમતીનગર,વિભૂતિખંડ તેમજ ચિનહટ સહિતની કેટલીક જગ્યાઓ પર તો સવારે ૮ વાગ્યામાં દારૂ ખરીદનારની લાઈન લાગી ગઈ હતી.
કેટલાક વિસ્તારમાં એક કિમી સુધી લાંબી કતાર જોવા મળી.સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી.નરહીમાં ડીસીપી (સેન્ટ્રલ) દિનેશ સિંહને પોતે લાઠી લઈને ઉતરવું પડ્યું.કેટલીક જગ્યાએ તો લોકો નિયમોના લીરેલીરા ઉડાડતા જોવા મળ્યા.ઉત્તરપ્રદેશમાં સોમવારે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનો દારૂ વેચાયો.લખનઉમાં સાડા છ કરોડ રૂપિયાથી વધારેનો દારૂ વેચાયો.યુપી લિકર સેલર વેલફેર અસોસિએશનના મહાસચિવ કન્હૈયા લાલ મોર્યએ કહ્યું કે,ગૌતમબુદ્ઘનગર,મુઝફ્ફરનગર,ગાઝિયાબાદ,મુરાદાબાદ,વારાણસી,ગોરખપુર,આઝમગઢ,પ્રયાગરાજ જેવા જિલ્લાઓમાં સોમવારે ૫ કરોડથી વધુ રૂપિયાના દારૂનું વેચાણ થયું. ૪૩ દિવસ બાદ દુકાનો ખુલી તો લોકો સ્ટોક કરવા માટે મોટી માત્રામાં દારૂ ખરીદવા લાગ્યા.આ વિશે માહિતી મળી તો એકસાઈઝ ડિપાર્ટમેન્ટે લિમિટ નક્કી કરી દીધી.જે મુજબ એક વ્યકિતને એક દિવસમાં ૭૫૦ એમએલની એક જ બોટલ મળશે.બિયરની બે બટલ અને ૩ કેન બીયર દિવસમાં એક જ વખત મળશે.જો કે,આ આદેશ જાહેર કરાઈ તે પહેલા જ મોટાભાગની દુકાનોમાં સ્ટોક ખતમ થઈ ગયો અને સાંજે ૭ વાગ્યા પહેલા જ તેના શટર પડી ગયા.દારૂની દુકાનો ખોલવાનો નિર્ણય કેટલાક નિયમો અને શરતો પર લેવાયો હતો.સોશિયલ ડિસ્ટન્સિંગ બનાવી રાખવા માટે માર્કેટમાં જયાં શિક્ષણ માટે અત્યંત જરૂરી પુસ્તકોની દુકાનો બંધ રાખવામાં આવી રહી છે,ત્યારે દારૂની દુકાનો પર જામી રહેલી ભીડ ડરાવી રહી છે.હવે છ મેથી ખાનગી ઓફિસ ખૂલશે.જિલ્લા તંત્ર પાસેથી મંજૂરી લઈને સંચાલક ૩૩ ટકા કર્મીઓ સાથે ઓફિસ સવારે ૭થી સાંજના ૭ વાગ્યા સુધી ખોલી શકશે.હોટસ્પોટવાળા વિસ્તારોમાં ખાનગી ઓફિસ બંધ જ રહેશે.