– કોરોના મહામારી કરશે ઉંઘ હરામ : હશે દોઢ લાખ કેસ
નવી દિલ્હી, તા.૫: ભારતમાં લોકડાઉન ૩.૦ શરૂ થઈ ગયુ છે.પરંતુ કોરોના વાયરસના આંકડા હજુ પણ સતત વધી રહ્યાં છે અને આ આંકડા ચરમસીમા એ પહોંચવાના હજુ બાકી છે.કોલકાતા સ્થિત ઈન્ડિયન એસોસિએશન ફોર કલ્ટિવેશન ઓફ સાયન્સ (IACS)માં થયેલા એક અભ્યાસ મુજબ હાલ દેશમાં કોરોના વાયરસની મહામારી તેના વ્યાપક સ્તરે પહોંચી નથી પરંતુ આ વર્ષના જૂન મહિનાના અંત સુધીમાં તે ચરમસીમાએ હશે.અભ્યાસમાં એ વાત પણ જણાવવામાં આવી છે કે દેશભરમાં લોકડાઉનના કારણે મહામારીના ચરમસીમાએ પહોંચવાનો સમય એક મહિનો ટળી શકયો છે જેથી કરીને કોરોનાને પહોંચી વળવા માટે સારા ઈન્તેજામ થઈ શકે.બાયો કોમ્પ્યુટેશનલ મોડલ પર આધારિત આ સ્ટડી જણાવે છે કે ભારતમાં જૂન મહિનાના અંત સુધીમાં લગભગ દોઢ લાખ લોકો કોરોનાથી સંક્રમિત થવાની શકયતા છે.આ સ્ટડીમાં રિપ્રોડકશન નંબરની મદદથી જણાવવામાં આવ્યું છે કે કોરોનાનું સંક્રમણ કેટલુ ઝડપથી ફેલાઈ રહ્યું છે.સ્ટડીમાં રિપ્રોડકશન નંબર ૨.૨ જાણવા મળ્યો છે.જેનો અર્થ એ છે કે ૧૦ લોકોથી આ સંક્રમણ સરેરાશ ૨૨ લોકોમાં ફેલાઈ રહ્યો છે.
લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્ય રીતે પાલન કરવાથી આ રિપ્રોડકશન નંબર ઓછો થઈને ૦.૭ પર પહોંચવાની આશા છે.આઈએસીએસના ડાયરેકટર શાંતનુ ભટ્ટાચાર્યે જણાવ્યું કે આ સ્ટડી સ્કૂલ ઓફ મેથમેટિકલ સાયન્સના સાયન્ટિસ્ટ રાજા પોલ અને તેમની ટીમે સસેપ્ટેબલ-ઈન્ફેકટેડ-રિકવરી ડેથ (SIRD) મોડલ પર કર્યો છે.જેનાથી ભારતમાં કોરોનાની સ્થિતિનું આકલન કરી શકાય.આ મોડલ મુજબ જો દેશમાં લોકડાઉનની સ્થિતિ ન હોત તો કોરોનાની આ મહામારી મે મહિનામાં ચરમસીમાએ હોત.લોકડાઉનના કારણે તેનાથી લગભગ ૧૫ દિવસનો ફરક પડ્યો છે.એટલું જ નહીં આ મોડલે એ પણ જણાવ્યું છે કે જો ૩ મેના રોજ લોકડાઉન સંપૂર્ણ ઉઠાવાયું હોત તો કોરોનાના સંક્રમણમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો હોત.ભારતમાં ૨૫ માર્ચના રોજ લોકડાઉનની જયારે જાહેરાત થઈ ત્યારે દેશભરમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા લગભગ ૬૫૭ હતી.જયારે જર્મનીમાં ૨૨ માર્ચના રોજ જયારે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી તો ત્યાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા ૨૫૦૦૦ હતી.