આઇસક્રીમ ઉદ્યોગને એપ્રિલમાં ૧૨૦૦ તો મે મહિનામાં ૧૬૦૦ કરોડનું જંગી નુકસાન

335

– ઉદ્યોગોને બચાવવા પગલા નહિ લેવાય તો ૫૦૦૦ કરોડનું ફંડ-એનપીએ થશે

નવી દિલ્હી,તા.૮ : કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવા લોકડાઉન અમલી ત્યારે ડેરી પ્રોડકટ એવા દૂધના વેચાણને છૂટ છે પણ દેશભરમાં આઇસક્રીમ ઉદ્યોગને વેચાણની મંજૂરી ન મળતા આ ઉદ્યોગને એપ્રિલ મહિનામાં રૂ.૧,૨૦૦ કરોડ અનુ મે મહિનામા રૂ.૧,૬૦૦ કરોડનું એમ કુલ ૨,૮૦૦ કરોડનું નુકસાન જશે અને તેના કારણે આ ઉદ્યોગમાં મોટાપાયે બેરોજગારી સર્જાશે એમ આઇસક્રીમ ઉદ્યોગે જણાવ્યુ હતું.

ઉદ્યોગની માગણી છે કે ડેરી ઉદ્યોગમાં આઇસક્રીમનું મોટુ યોગદાન છે.તેથી આઇસક્રીમના વેચાણને પણ મંજૂરી આપવી જોઇએ.જો આ ઉદ્યોગને બચાવવા ત્વરીત પગલા નહીં લેવાય તો રૂ.૫,૦૦૦ કરોડ જેટલા ફંડ-નાણાં એનપીએ થાય તેવી સ્થિતી પેદા થઇ છે.હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને ૧૭ મે સુધી લોકડાઉનના અમલને કારણે આઇસક્રીમ ઉત્પાદકોને મોટો ફટકો પડ્યો છે.દેશામં રૂ.૧૨,૦૦૦ કરોડનો બિઝનેસ ધરાવતા આ ઉદ્યોગનો ૪૦ થી ૫૦ ટકા બિઝનેસ માર્ચથી જુલાઇ દરમિયાન થાય છે.જેમાં ગુજરાતનો હિસ્સો ૧૦ ટકા છે,ઇન્ડિયન આઇસ્ક્રીમ મેન્યુફેકચરર્સ એસોસિયેશન IICAM ના પ્રમુખ અને વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેકટર રાજેશ ગાંધીએ ઇટીને જણાવ્યુ હતુ કે, ‘આઇસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીઝને એપ્રિલ મહિનાના બિઝનેશમાં રૂ.૧,૨૦૦ કરોડનું નુકસાન થયુ છે.અને તે પછી લોકડાઉન લંબાયુ છે તેથી મે મહિનામાં વધુ રૂ.૧,૬૦૦ કરોડનું નુકસાન જશે ‘ IICAM એ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન,આરબીઆઇ, કેન્દ્રીય શ્રમ વિભાગ સમક્ષ માંગજણી કરી છે કે, ‘આઇસક્રીમ અને ફોઝન ડેઝર્ટના ઉત્પાદકોનો ખર્ચ અંકુશમાં લાવવા માટે તાત્કાલીક ધોરણે નાણાકીય રાહત આપતુ પેકેજ જાહેર કરવુ જોઇએ.

નાની કંપનીઓ બંધ થઇ છે કે નાદારી નોંધાવે તેવી સ્થિતિ આવી ગઇ છે.આ ઉદ્યોગ ૨૦ લાખ વ્યકિતઓને રોજગારી આપે છે.હાલમાં ઉદ્યોગ બંધ હોવાથી તેટલા પરિવારોને અસર પહોંચી છે.એસોસિયેશનને એમ પણ જણાવ્યુ છે હતું કે,’જો આ ઉદ્યોગને બચાવવા ત્વરીત ઼પગલા નહીં લેવાય તો રૂ. ૫૦૦૦ કરોડનું ફંડ એનપીએ થાય તેવી સ્થિતિ પેદા થઇ છે.આઇસક્રીમ પરનો જીએસટી રેટ ઘટાડવો જોઇએ.ઓછા વ્યાજની ૧૦૦ ટકા લોન સરકારે આપવી જોઇએ અને આ લોનને છ મહિના પછી ૭૦ ટકા રકમને ગ્રાન્ટમાં ફેરવવી જોઇએ.કર્મચારીઓના પગાર સંર્દભે ઉદ્યોગ વિભાગના લઘુતમ નિયમોના સ્થાને મનરેગા મુજબ પગાર ચૂકવાય તે જરૂરી છે.’

આઇસ્ક્રીમ ઉદ્યોગને વીજ વેરામાં માફી આપવા માંગ

અમદાવાદ : ગુજરાત આઇસક્રીમ મેન્યુફેકચરિંગ એસોસિએશનના ચેરમેન અને સૌરાષ્ટ્રની બ્રાન્ડ શીતલ આઇસક્રીમના ભૂપતભાઇ ભૂવા એ જણાવ્યુ હતુ કે ‘અમે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરી છે કે અમે આઇસક્રીમ મેન્યુફેકચર ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છીએ,પણ હાલમાં આઇસક્રીમ ઉદ્યોગને અલગ ગણવામાં આવતા લોકડાઉન દરમિયાન વેચાણ બંધ હોવાથી ઉત્પાદન પણ બંધ છે.જેની બિઝનેશ પર માઠી અસર થાય તેમ છે.બેંકના હપ્તા અને વ્યાજ, પગાર અને જગ્યાનાં ભાડા તથા વાહન ખર્ચ ઊંચો છે.વળી, વેંચાણ થાય કે ન થાય હાજર માલને સાચવવા માઇનસ ૨૨ના તાપમાનમાં કોલ્ડ સ્ટોરેજ રૂમ ચાલુ રાખવા પડે છે.જેથી પાવર બીલ વધારે આવે છે.આ ખર્ચને પહોંચી વળવો મુશ્કેલ હોવાથી આઇસ્ક્રીમના ઉત્પાદકોને આગામી ૧૨ મહિના માટે વીજ બીલમાં માફી જરૂરી છે.આ સેગમેન્ટમાં કુલ વેપારનો ૬૦ થી ૮૦ ટકા વેપાર ઉનાળાના ચાર મહિનામાં થતો હોય છે.આ ઉદ્યોગ સાથે હજારો લોકોની રોજગારી સંકળાયેલી છે.ઉદ્યોગ ટકાવી રાખવા વિદ્યુત શુલ્કમાં માફી આપવી જોઇએ.’ તેમણે જણાવ્યુ હતુ કે,’અમે રાજ્યના કમિશનર ઓફ ફૂડ સેફટી અટલે કે ફૂડ એન્ડ ડ્રગ એડ્િમિનિસ્ટ્રેશનને રજૂઆત કરી છે કે,આઇસક્રીમ જેવા ફૂડથી કોરોના ફેલાય છે તેવી માન્યતા ખોટી હોવાથી સાચી માહીતી પહોંચાડવી જોઇએ.ફૂડ સેફટી ડિપાર્ટમેન્ટે એવી સ્પષ્ટતા કરવી જોઇએ કે આઇસ્ક્રીમ અને ચિલ્ડ ફૂડ પ્રોડકટ્સ ખાવાથી કોઇ નુકસાન નથી થતું.’

Share Now