કેન્દ્ર-રાજ્યોની તિજોરીઓ ખાલી થઈ રહી છે : પ્રજા ઉપર ઝીંકાશે વિવિધ પ્રકારના ટેકસ, ડયુટીઓ

393

– અનેક રાજ્યોએ પેટ્રોલ-ડીઝલ પર વેટ વધાર્યાઃ અમુક રાજ્યોએ દારૂ મોંઘો કર્યોઃ અમુક રાજ્યોએ કોરોના ટેકસ ઝીંકયોઃ પ્રજાએ મનોરંજન ટેકસ, મ્યુનિસિપલ ટેકસ, કાર અને પ્રોપર્ટી રજીસ્ટ્રેશન ચાર્જમાં વધારા માટે તૈયારી રાખવી પડશે

નવી દિલ્હી, તા. ૮ :. કોરોના વાયરસને કંટ્રોલ કરવા માટે સમગ્ર દેશ લોકડાઉન છે.લોકડાઉન ૩.૦ ચાલી રહ્યુ છે અને ઈન્કમ લોસ વચ્ચે વિવિધ પ્રકારના ટેકસ લોકોની મુશ્કેલીઓ વધારી રહ્યા છે.કોરોના સામે લડવા અને રાહત પેકેજને લઈને સરકારની તિજોરી ખાલી થઈ રહી છે.જેના કારણે સરકાર પણ નવી રીતોથી ટેકસ લઈને પોતાની તિજોરી ભરવા પ્રયાસ કરશે એ નક્કી છે.લોકોએ આગામી દિવસોમાં લોકડાઉન કે કોરોના ટેકસ માટે તૈયાર રહેવુ પડશે.લોકડાઉનને કારણે વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે.રાજ્ય સરકારો સતત પોતાની ઘટતી આવકને લઈને ચિંતામાં છે.લોકડાઉનમા છુટછાટ બાદ અનેક રાજ્ય સરકારોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારી દીધી છે.દારૂના ભાવ વધારી દીધા છે.કોવિડ-૧૯ સેસ બાદ શું આપણે લોકડાઉન ટેકસની રાહ જોવી પડશે ? વિવિધ સરકારો ટેકસમાં વધારો કરી પોતાની તિજોરી ભરવા લાગી છે.આંધ્ર સરકારે બે દિવસમાં દારૂના ભાવ ૭૫ ટકા વધારી દીધા છે.જેને કારણે સરકારને રૂ.૯ હજાર કરોડની આવક થશે.દિલ્હીમાં પણ દારૂ ૭૦ ટકા મોંઘો કરી દેવાયો છે.વિશ્વભરમાં ક્રૂડના ભાવ ઘટી ગયા છે,પરંતુ રાજ્ય સરકારોએ ફયુલના ભાવ વધારવાનો ફેંસલો લીધો છે.અનેક રાજ્યોએ પેટ્રોલ-ડીઝલ પર વેટ વધારી દીધી છે.નાગાલેન્ડે કોવિડ ટેકસ ઝીંકયો છે. દિલ્હીએ વેટ વધારી દીધો છે જેનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે.સરકાર પોતાની ખાલી તિજોરી ભરવા માટે અનેક રસ્તા અપનાવી શકે છે.જેમાં મનોરંજન ટેકસ,મ્યુનિસિપલ ટેકસ,કોરોના ટેકસ,કાર અને પ્રોપર્ટી પર રજીસ્ટ્રેશન ચાર્જમાં વધારો સહિતના પગલાઓ આવશે.

Share Now