નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે રચાયેલા ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ને દાન (ડોનેશન) આપનારને આવકવેરામાં છૂટ આપવાનો નિર્ણય લીધો છે.કેન્દ્રીય નાણા મંત્રાલયે આ સંબંધમાં શુક્રવારે મોડી સાંજે એક નોટિફિકેશન જારી કરી દીધું છે.કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ CBDT) દ્વારા રામ મંદિર ટ્રસ્ટને દાન આપનારને આવકવેરાની કલમ 80જી હેઠળ રાહત આપી છે.કેન્દ્રીય નાણા મંત્રાલયે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ઐતિહાસિક મહત્વનું સ્થાન અને જાહેર પૂજન શ્રેણીમાં રાખ્યું છે.દાન કરનારને નાણાકીય વર્ષ 2020-21થી ટેક્સમાં છૂટ મળશે.
આવકવેરા કાયદાની કલમ 80જી હેઠળ કોઈપણ સામાજીક, રાજકીય અને જનહિતકારી સંસ્થાઓ સહિત સરકારી રાહત કોષોમાં આપવામાં આવેલ દાન પર ટેક્સ છૂટ લેવાનો અધિકાર મળે છે.પરંતુ ટેક્સમાં આ છૂટ દરેક દાન પર એક જેવી નહીં પરંતુ કેટલાક નિયમો અને શરતો પ્રમાણે મળે છે.
મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે પાછલા વર્ષે 9 નવેમ્બરે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં ઐતિહાસિક ચુકાવો આપતા વિવાદિત 67 એકર જમીન હિન્દૂ પક્ષને સોંપી હતી.જ્યારે સરકારને મસ્જિદ નિર્માણ માટે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં કોઈ મહત્વપૂર્ણ સ્થાન પર 5 એકર જમીન આપવાનો આદેશ આપ્યો હતો.સુપ્રીમ કોર્ટે સાથે કેન્દ્ર સરકારને 3 મહિનાની અંદર મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવાનો આદેશ આપ્યો હતો.ત્યારબાદ કેન્દ્ર સરકારે 8 ફેબ્રુઆરીએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી હતી.


