– ૨ દિવસમાં ૫૫૦૦૦ લોકો સુરતથી સૌરાષ્ટ્ર- આવશે
સુરત, તા.૯: સુરતથી રત્નકલાકારોની સામુહિક હિજરત શરૂ થતાં રાજય સરકાર દ્વારા સંચાલિત ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ને મુશ્કેલીભરી કામગીરીનો સામનો કરવો પડી રહ્યો છે.કારણ કે છેલ્લા બે દિવસમાં લગભગ ૪ લાખ લોકો જેમાં રત્નકલાકારો અને વેપારીઓએ બસો બુક કરવા માટે ઓનલાઈન અરજી સબમિટ કરી છે.જણાવી દઈએ કે જીએસઆરટીસી દ્વારા સુરતથી આજદિન સુધીમાં ૨૦૫ બસો ચલાવવામાં આવી છે.સુરત ડાયમંડ એસોસિએશન (SDA) દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા બે દિવસમાં ૧૨૦૦૦ અરજીઓ મળી છે.અરજી દીઠ ૩૦ મુસાફરોને ધ્યાનમાં રાખતા જીએસઆરટીસી દરેક બસમાં ૩૦ મુસાફરોની સંખ્યામાં બુકિંગ લઈ રહ્યું છે.આમ ૩.૬૦ લાખ મુસાફરોએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત શહેરોમાં જવા માટે GSRTC બસો માટે અરજી કરી છે.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ૧૮૦૦ બુકિંગની પુષ્ટિ થઈ છે અને આગામી બે દિવસમાં ૫૫,૦૦૦ કામદારો સુરતથી સૌરાષ્ટ્ર ક્ષેત્રના જુદા જુદા જિલ્લાઓમાં મુસાફરી કરે તેવી સંભાવના છે.શુક્રવારે સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં વધુ ૨૫ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ૮૨૪ પર પહોંચી ગઈ છે.તેમાંથી ૩૮ લોકોના મોત થયા છે તેમજ ૩૮૯ લોકોને હોસ્પિટલની સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.સુરતથી ઓડિશા ગયેલા ૨૧ શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જેથી ઓડિશા હાઈકોર્ટે કોરોના રિપોર્ટ કરાવનારને જ એન્ટ્રી આપવાનું ફરજીયાત કર્યું છે.જેથી વતન જવા માટે રિપોર્ટ જરૂરી હોવાથી પરપ્રાંતિયોએ સિવિલમાં લાઈનો લગાવી દીધી છે.સિવિલમાં શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવાની કામગારી પણ હાથ ધરવામાં આવી છે.


