– ૧૦૦ થી વધુ બસ દ્વારા લોકોને લાવવાના અભિયાનનો ખર્ચ જામકંડોરણા છાત્રાલય આપી રહ્યું છે : મેડિકલ ચેકઅપ લેઉઆ પટેલ સમાજ પાર્ટી પ્લોટ-જેતપુર અને જામકંડોરણા કુમાર છાત્રાલય ખાતે કરાયું
જુનાગઢ : કોરોના મહામારી અને લોક ડાઉનના સમય માં કામ ધંધો કે અન્ય કામો બંધ હોઈ તેવા સમયે સુરત શહેરમાં વેપાર-ધંધા તેમજ રોજગારી અર્થે જેતપુર-જામકંડોરણા પંથકના લોકો સુરત વસવાટ કરે છે.તેમને વતનમાં પરત આવવું છે લોકડાઉનમાં વાહન વ્યવહાર બંધ છે તેવા સમયે આ જેતપુર જામ કંડોરણા વિસ્તારના આ પરિવારોને વતનમાં કેવી રીતે જવું તે મુંઝવણ યુવા મંત્રી જયેશ રાદડીયા સુધી પહોંચી અને આ પંથકના જાગૃત ધારાસભ્ય અને મંત્રીએ સુરતના આ પરિવારો માટે તુરત ઘટતું કરવા કાર્યવાહી કરાવી અને સુરતથી જેતપુર અને જામકંડોરણા પહોંચાડવા માટે પ્રાઇવેટ બસની વ્યવસ્થા કરાવી આપી.ઉપરાંત તમામ બસનું થતું તમામ ભાડું પણ પિતા શ્રી સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાએ સ્થાપેલ જામકંડોરણા લેઉવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા જ ચૂકવવામાં આવી રહ્યું છે.જેતપુર અને જામ કંડોરણા ખાતે સુરતના આ પરિવારો બે દિવસથી લાવવામાં આવી રહ્યા છે તેનું મેડિકલ ચેક અપ- ટેમ્પ્રેચર સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે તે સમયે જયેશભાઈ રાદડિયા સતત જાગૃત રહી ખડેપગે ઉપસ્થિત રહીને સુરતથી આવનાર તમામ પરિવારોને લોક ડાઉન અને હોમ કવોરેન્ટઈનના નિયમોનું ચુસ્ત પાલન કરવા જણાવતા હતા.આ સમયે મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસ મહામારીના કારણે લોકડાઉન છે એવા સમયે સુરત શહેરમાં રોજગારી માટે રહેતા આ વિસ્તાર ના લોકોને પરિવાર સાથે વતન આવવું હતું આવવા માટે વાહન તેમજ મંજૂરીની મુશ્કેલીઓ હતી તે તમામ કામગીરી કરીને આ પરિવારોને વતન પહોંચતા કરવા એ મારા વિસ્તારના લોકો માટેની માનવતાની ફરજ અદા કરવાનો મારો આ પ્રયાસ છે.સુરતથી અંદાજે ૧૦૦ થી વધુ બસ દ્વારા જેતપુર-જામકંડોરણાના વતની ઓને લાવવાની કામગીરી ચાલુ છે આજ સુધી માં ૬૦ બસ માં ૧૦૦૦થી વધુ પરિવારોના ૨૫૦૦ જેટલા લોકોને તેમના વતન પહોંચતા કરવામાં આવ્યા છે.જેમાં ૩૦ બસ જામકંડોરણા અને ૩૦ બસ જેતપુર ખાતે આવી ચૂકી છે બાકી રહી જતા લોકો ને પણ આગામી બે દિવસ માં તેમના વતન પરત લાવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે સુરત થી આવેલ આ તમામ પરિવાર લોકોને પોતાના ગામ વતનમાં નિયમ મુજબ હોમ કવોરેન્ટાઈન કરવામાં આવશે અને મેડિકલ ચેકઅપ કરવામાં આવતું રહેશે.